
અમદાવાદ, 06 નવેમ્બર (હિ.સ.) : અમદાવાદમાં હજી તો ચાર દિવસ પહેલા નિકોલમાં દારૂના નશામાં કાર ચલાવીને ત્રણને મોતને ઘાટ ઉતારવાની ઘટના બની હતી અને આજે ફરી વધુ એક કારચાલકે નશામાં અકસ્માત કર્યો છે.
શહેરના ડ્રાઇવ-ઇન રોડ પર ગુરુકુળ ચાર રસ્તા પાસે એક્સિસ બેંકના મેનેજર પીધેલી હાલતમાં કાર ચલાવી ગુરુકુળ પાસે એક્ટિવાને અડફેટે લઈ ગુરુકુળ રોડથી દુરદર્શન ચાર રસ્તા સુધી ઘસડીને લઈ ગયો હતો.
સ્થાનિક લોકોએ કારચાલકને પકડીને પોલીસને હવાલે કર્યો હતો. વસ્ત્રાપુર પોલીસે ડ્રિંક એન્ડ ડ્રાઈવનો ગુનો નોંધી આરોપી બેંક મેનેજરની ધરપકડ કરી છે.
શહેરના વસ્ત્રાપુર વિસ્તારના ડ્રાઇવ-ઇન રોડ પર દારૂના નશામાં એક્સિસ બેંકના મેનેજર મીહિર નિરંજન શર્માએ બેફામ સ્પીડે કાર ચલાવી ગુરુકુળ રોડ પર એક એક્ટિવા ચાલકને ટક્કર મારી હતી, જેના કારણે એક્ટિવા ચાલક નીચે પટકાયો હતો.જોકે, એક્ટિવા કારના આગળના ભાગે ફસાઈ ગયું હતું અને કારચાલકે કાર ઊભી રાખવાની જગ્યાએ ભગાવી હતી.પોલીસે બેંક મેનેજર સામે ડ્રિંક એન્ડ ડ્રાઈવનો ગુનો નોંધ્યો.
ગુરુકુળ રોડથી એક કિલોમીટર દૂર દુરદર્શન ચાર રસ્તા સુધી બેંક મેનેજર એક્ટિવાને ઘસેડીને લઈ ગયો હતો. આ સમયે સ્થાનિક લોકોએ તેને પકડી પાડ્યો હતો. લોકોએ તેને પકડીને બહાર કાઢ્યો ત્યારે દારૂ પીધેલી હાલતમાં મળી આવ્યો હતો. આ બાબતે પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ પણ સ્થળે પહોંચી ગઈ હતી. પોલીસને તેની પાસેથી એક અડધી ભરેલી દારૂની બોટલ પણ મળી આવી હતી. આ સમગ્ર મામલે વસ્ત્રાપુર પોલીસ દ્વારા મિહિર શર્મા વિરુદ્ધ ડ્રિંક એન્ડ ડ્રાઈવ અને દારૂ રાખવા અંગેનો ગુનો દાખલ કરી ધરપકડ કરી હતી.
શહેરના ડ્રાઇવ-ઇન રોડ પર ગુરુકુળ ચાર રસ્તા પાસેની ઘટના અંગે એ ડિવિઝન ટ્રાફિક પોલીસ સ્ટેશનના પીઆઇ એ.બી મોરીએ જણાવ્યું કે, આ અકસ્માત મારા ધ્યાને આવ્યો નથી. અકસ્માત બાદ જો હોસ્પિટલમાં દાખલ થયો હશે તો વર્ધી મળતાં પોલીસ દ્વારા જઈને કાર્યવાહી કરવામાં આવી હશે. છતાં આ બાબતે હું તપાસ કરી લઉં છું.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ