
પાટણ, 09 નવેમ્બર (હિ.સ.) પાટણ જિલ્લામાં રવિવારે આનંદ, ઉત્સાહ અને ઉમંગભેર પ્રકાશપર્વ દિવાળીની ઉજવણી કરવામાં આવી હતી. ઘરો, મકાનો, દુકાનો, મંદિરો અને માર્ગો રંગબેરંગી રોશની તથા દીવડાઓથી ઝગમગી ઊઠ્યાં હતાં. બાળકોએ ઘરઆંગણે સુંદર રંગોળીઓ બનાવી હતી, જ્યારે રાત્રે ફટાકડાની આતશબાજીથી સમગ્ર વાતાવરણ ઉત્સવમય બન્યું હતું.
દિવાળીના પર્વ નિમિત્તે પાટણ શહેરના બજારોમાં ખરીદી માટે લોકોની ભારે ભીડ જોવા મળી હતી. કપડાં, મીઠાઈ, ફટાકડા, ઇલેક્ટ્રિક સીરીઝ, ગૃહસુશોભનની વસ્તુઓ સહિતની ખરીદી માટે બજારો મોડી રાત સુધી ધમધમતાં રહ્યાં હતાં. વેપારીઓએ શુભ મુહૂર્તમાં લક્ષ્મીપૂજન અને નવા ચોપડાનું પૂજન કર્યું હતું. દોશીવટ બજારમાં ચોપડા પૂજનની સામગ્રી અને સ્યાહીની પણ સારી એવી ખરીદી થઈ હતી.
આ વર્ષે દિવાળીના તહેવાર દરમિયાન ઓટોમોબાઇલ ક્ષેત્રમાં પણ ખરીદીનો ઉત્સાહ જોવા મળ્યો હતો. શોરૂમના સંચાલકોના જણાવ્યા મુજબ કાર અને ટૂ-વ્હીલરની ખરીદીમાં નોંધપાત્ર વધારો થયો છે. કારની અછતને કારણે ગ્રાહકોને એક મહિનાનું વેઇટિંગ મળી રહ્યું છે, જ્યારે બાઇકની માંગ વધુ જોવા મળી છે. ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોમાં ટૂ-વ્હીલરની ખરીદી વધી છે તેમજ ઇલેક્ટ્રિક ટૂ-વ્હીલર તરફ પણ ગ્રાહકોનો ઝુકાવ વધ્યો છે. ગત વર્ષની સરખામણીએ ખરીદશક્તિમાં આશરે 10 ટકાનો વધારો નોંધાયો હોવાનું વેપારીઓએ જણાવ્યું હતું.
દિવાળીના તહેવારની રોનક પરત ફરતાં વેપારી વર્ગમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. બીજી તરફ કલાકારો અને સંગીત સાથે જોડાયેલા લોકોએ મા સરસ્વતીનું પૂજન કર્યું હતું. શહેરમાં મેરમેરૈયાનું વેચાણ પણ જોવા મળ્યું હતું, જોકે તેને બનાવવા માટે વપરાતી વરખડાનાં ઝાડની ડાળીઓનો જથ્થો ઓછો મળતાં કેટલાક વેપારીઓએ તેના મૂળ સ્વરૂપમાં ફેરફાર કરીને વેચાણ કર્યું હતું.
દરમિયાન, પાંચ દિવસીય દિવાળી પર્વમાં પડતર દિવસનું પણ વિશેષ ધાર્મિક અને સાંસ્કૃતિક મહત્વ છે. દિવાળીની સફાઈ, સજાવટ, પૂજા અને ઉજવણી બાદ આ દિવસ આરામ માટે માનવામાં આવે છે. વેપારીઓ આ દિવસે હિસાબ-ચોપડા બંધ રાખી નવા વર્ષના શુભ આરંભની તૈયારી કરે છે. આમ, પાટણ જિલ્લામાં દિવાળીના પર્વે ધાર્મિક આસ્થા, પરંપરા અને ખરીદીનો અનોખો સંગમ જોવા મળ્યો હતો.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ