
જામનગર, 09 નવેમ્બર (હિ.સ.) : જામનગર જિલ્લામાં દિવાળીના તહેવાર દરમિયાન ફટાકડા ફોડવાની નજીવી બાબતે થયેલી તકરારો ઉગ્ર સ્વરૂપ ધારણ કરતાં ગુલાબનગર અને કાલાવડ તાલુકાના હરીપર ગામે મારામારી તથા છરીના હુમલાની ત્રણ ગંભીર ફરિયાદો નોંધાઈ છે. આ ઘટનાઓમાં ઈજાગ્રસ્તોને ગંભીર ઈજાઓ પહોંચતા હોસ્પિટલ ખસેડવા પડ્યા હતા, જ્યારે પોલીસે તમામ આરોપીઓ સામે ગુના નોંધી કાયદેસરની તપાસ હાથ ધરી છે.
જામનગરના ગુલાબનગર વિસ્તારમાં બાદશાહ પાન પાસે 9 નવેમ્બરની રાત્રે ફટાકડા ફોડવા બાબતે બોલાચાલી થયા બાદ મામલો થાળે પડવાને બદલે વધુ વણસ્યો હતો. ફરિયાદી દિવ્યરાજસિંહ ભરતસિંહ જાડેજા અને સામે પક્ષના યુવકો વચ્ચે ફટાકડા માંગવા તથા ફોડવા બાબતે તકરાર થઈ હતી. આ બોલાચાલી ઉગ્ર બનતા એક પક્ષ દ્વારા છરીના ઘા ઝીંકવામાં આવ્યા હતા, જેમાં દિવ્યરાજસિંહના હાથના બાવડામાં ઊંડા ઘા વાગતા તેમને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા અને તબીબો દ્વારા વીસ જેટલા ટાંકા લેવા પડ્યા હતા.
આ જ પ્રકરણમાં સામા પક્ષે અયાન સુઘાગુનીયાએ પણ પોલીસ મથકમાં સામસામી ફરિયાદ નોંધાવી છે. અયાનના આક્ષેપ મુજબ, તેઓ શાંતિથી ફટાકડા ફોડી રહ્યા હતા ત્યારે વિપક્ષી જૂથ કારમાં હથિયારો સાથે આવી પહોંચ્યું હતું અને ઝઘડો કરી મારામારી શરૂ કરી હતી. આ મારામારી અને ઝપાઝપી દરમિયાન વચ્ચે બચાવ કરવા પડેલા અયાનના હાથના કાંડા પાસે પણ છરીનો છરકો વાગવાથી ઈજા પહોંચી હતી, જેના કારણે એક જ ઘટનામાં બે અલગ-અલગ ગુનાઓ નોંધાયા છે.
દરમિયાન, કાલાવડ તાલુકાના હરીપર (ખંઢેરા) ગામે વધુ એક ગંભીર બનાવ સામે આવ્યો છે, જ્યાં 8 નવેમ્બરની રાત્રે ઘર પાસે ફટાકડા ફોડવાની ના પાડવાને કારણે મામાલો ગરમાયો હતો. મજૂરીકામ કરતા 45 વર્ષીય દીનેશભાઈ ચૌહાણના ઘર નજીક કેટલાક શખ્સો બેજવાબદાર રીતે ફટાકડા ફોડી રહ્યા હતા. જ્યારે દીનેશભાઈએ તેમને દૂર જઈને ફટાકડા ફોડવા માટે નમ્રતાપૂર્વક વિનંતી કરી, ત્યારે આરોપીઓએ ઉશ્કેરાઈને વિરોધ નોંધાવ્યો હતો અને પરિસ્થિતિ તણાવપૂર્ણ બની હતી.
આ તકરાર દરમિયાન આરોપીઓ દ્વારા દીનેશભાઈને જ્ઞાતિ પ્રત્યે અપમાનિત કરવામાં આવ્યા હતા અને ગેરકાયદેસર મંડળી રચી તેમના પર જીવલેણ હુમલો કરાયો હતો. વિજયભાઈ અને ભુપતભાઈ નામના શખ્સોએ લાકડી વડે દીનેશભાઈના માથામાં પ્રહાર કરતા ચાર ટાંકા આવ્યા હતા, અને પિતાને બચાવવા વચ્ચે પડેલા તેમના પુત્ર અનિલભાઈ પર પણ હુમલો કરી મૂંઢ ઈજાઓ પહોંચાડાઈ હતી. આ મામલે કાલાવડ ટાઉન પોલીસ મથકમાં ભારતીય ન્યાય સંહિતાની કલમો ઉપરાંત એટ્રોસિટી એક્ટ હેઠળ ગુનો નોંધીને આગળની કાનૂની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt