



પોરબંદર, 09 નવેમ્બર (હિ.સ.) : દિવાળીના પર્વ દરમિયાન પોરબંદર શહેર સહિત સમગ્ર
જિલ્લામાં આગ લાગવાની અનેક ઘટનાઓ સામે આવી હતી. દિવાળીના દિવસે પોરબંદર ફાયર
વિભાગની ટીમ દ્વારા શહેર તેમજ જિલ્લાના વિવિધ વિસ્તારો અને ગામોમાંથી મળેલા કુલ 43 જેટલા ફાયર કોલ પર તાત્કાલિક કામગીરી
કરવામાં આવી હતી. ફાયર વિભાગની ટીમે તમામ સ્થળોએ પહોંચી આગ પર સફળતાપૂર્વક કાબૂ
મેળવ્યો હતો.
આગના બનાવોમાં મોટાભાગની ઘટનાઓ ખુલ્લા પ્લોટમાં
ફટાકડા ફોડવાના કારણે આગ લાગવાની હતી. જ્યારે મેજર ઇન્સિડન્ટમાં રાણા કંડોળા ગામની
ગૌશાળામાં રાખવામાં આવેલા ઘાસચારામાં આગ લાગવાની ઘટના બની હતી. આ ઉપરાંત પોરબંદર
શહેરના મેમણવાડા વિસ્તારમાં ભંગારના ડેલામાં રાખેલા વાહન અને અન્ય સામાનમાં આગ
લાગી હતી. તો કડિયા પ્લોટ વિસ્તારમાં વાહન સળગવાની તેમજ મકાનની બારીમાં આગ લાગવાની
ઘટના પણ સામે આવી હતી. જોકે, ફાયર વિભાગની ટીમે સમયસર ઘટનાસ્થળે પહોંચી આગને વધુ પ્રસરતી અટકાવી
હતી અને તમામ બનાવોમાં આગ પર કાબૂ મેળવી મોટી જાનહાનિ કે નુકસાન થતું અટકાવવા
કામગીરી કરી હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya