
પાટણ, 09 નવેમ્બર (હિ.સ.) : પાટણમાં દિવાળીના પવિત્ર પર્વ નિમિત્તે આધાર ફાઉન્ડેશન દ્વારા સેવાકીય પ્રવૃત્તિ હાથ ધરવામાં આવી હતી. આર્થિક રીતે નબળા અને નિઃસહાય પરિવારો પણ દિવાળીનો તહેવાર ખુશી અને ઉત્સાહ સાથે ઉજવી શકે તેવા ઉમદા હેતુથી સંસ્થા દ્વારા 100થી વધુ જરૂરિયાતમંદ પરિવારોને મીઠાઈ, ફરસાણ અને વસ્ત્રોનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ પહેલથી જરૂરિયાતમંદ પરિવારોના ચહેરા પર ખુશી જોવા મળી હતી.
આ સેવાકીય કાર્યક્રમમાં સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડના ઉત્તર ઝોનના પૂર્વ સંયોજક ડૉ. મયંક બારોટ, પાટણ જિલ્લાના પૂર્વ સંયોજક વિવેક જોશી તેમજ લિયો ક્લબ પાટણના ખજાનચી લાલાભાઈ દેસાઈ (વામૈયા) વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત આધાર ફાઉન્ડેશનના સભ્યો અને સ્થાનિક અગ્રણીઓએ પણ હાજરી આપી સેવાકીય પ્રવૃત્તિમાં સહભાગી બન્યા હતા.
આ પ્રસંગે સંસ્થાના પ્રતિનિધિઓએ જણાવ્યું હતું કે તહેવારોની સાચી ખુશી જરૂરિયાતમંદ લોકોના જીવનમાં આનંદ લાવવામાં રહેલી છે. સમાજના નબળા વર્ગના પરિવારોને મદદરૂપ થવાના હેતુથી આધાર ફાઉન્ડેશન દ્વારા આગામી દિવસોમાં પણ આવી વિવિધ સામાજિક અને સેવાકીય પ્રવૃત્તિઓ સતત ચાલુ રાખવામાં આવશે.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ