
નાગરિકો માટે આધાર કાર્ડ અપડેટ અને નવી નોંધણી સરળ બનશે
રાજકોટ, 09 નવેમ્બર (હિ.સ.) નાગરિકોને આધાર કાર્ડ સંબંધિત તમામ સેવાઓ ઝડપથી અને સરળતાથી મળી રહે તે હેતુથી રાજકોટ શહેર પશ્ચિમ મામલતદાર કચેરી ખાતે નવા ‘આધાર સેવા કેન્દ્ર’નો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ કેન્દ્ર શરૂ થવાથી સ્થાનિક નાગરિકોને સરકારી કામગીરીમાં મોટી સુવિધા મળશે. આ કાર્યક્રમમાં જિલ્લા કલેક્ટર ડો. ઓમ પ્રકાશ અને ધારાસભ્ય ડો. દર્શિતા શાહ ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમ દરમિયાન આસિસ્ટન્ટ કલેક્ટર અતુલ સિંહ, મામલતદાર એન.પી. પંડ્યા તેમજ કચેરીના અન્ય અધિકારીઓ અને કર્મચારીઓ હાજર રહ્યા હતા. અધિકારીઓની હાજરીમાં આ સેવા કેન્દ્રને નાગરિકોના ઉપયોગ માટે વિધિવત રીતે ખુલ્લું મૂકવામાં આવ્યું હતું. કચેરી ખાતે નવી સુવિધા ઊભી થવાથી દૈનિક ધોરણે આવતા અરજદારોની સમયની બચત થશે.
આ નવું આધાર સેવા કેન્દ્ર શરૂ થવાથી નાગરિકોને આધાર કાર્ડમાં નામ, સરનામું, જન્મ તારીખ, મોબાઈલ નંબર તથા બાયોમેટ્રિક ડેટા અપડેટ કરાવવાની કામગીરી સરળ બનશે. આ ઉપરાંત નાના બાળકોના નવા આધાર કાર્ડની નોંધણી સહિતની તમામ જરૂરી સગવડો એક જ સ્થળેથી મળી રહેશે, જેનાથી અરજદારોને અન્ય જગ્યાએ ધક્કા ખાવામાંથી મુક્તિ મળશે.
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt