સ્વચ્છ ભારત અભિયાનનું ઉત્તમ ઉદાહરણ: રાજકોટની ખીજડીયા શાળાએ, પ્લાસ્ટિક વેસ્ટમાંથી બેન્ચ બનાવવાનો નવતર પ્રયોગ કર્યો
રાજકોટ, 09 નવેમ્બર (હિ.સ.) : રાજકોટ તાલુકાની ખીજડીયા પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ ''સ્વચ્છ ભારત મિશન'' અને ''વેસ્ટ ટુ વેલ્થ'' વિઝનને સાર્થક કરતું પ્રેરણાદાયી ઉદાહરણ પૂરું પાડ્યું છે. પર્યાવરણ રક્ષક બનેલા બાળકોએ ગામમાં ઘરે-ઘરે ફરી
પ્લાસ્ટિક વેસ્ટમાંથી બેન્ચ બનાવવાનો નવતર પ્રયોગ


રાજકોટ, 09 નવેમ્બર (હિ.સ.) : રાજકોટ તાલુકાની ખીજડીયા પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ 'સ્વચ્છ ભારત મિશન' અને 'વેસ્ટ ટુ વેલ્થ' વિઝનને સાર્થક કરતું પ્રેરણાદાયી ઉદાહરણ પૂરું પાડ્યું છે. પર્યાવરણ રક્ષક બનેલા બાળકોએ ગામમાં ઘરે-ઘરે ફરીને ૧૫,૫૦૦થી વધુ પ્લાસ્ટિકની બોટલો એકત્ર કરી છે, જે શાળાના બાળકો માટે બેસવાની બેન્ચ બનાવવામાં ઉપયોગમાં લેવાશે.

આધુનિક યુગમાં પ્લાસ્ટિક પ્રદૂષણ પર્યાવરણ માટે ગંભીર પડકાર બન્યું છે. આ સમસ્યા પ્રત્યે નાની વયે જાગૃતિ કેળવાય તે હેતુથી શાળાના આચાર્ય અને શિક્ષકગણના માર્ગદર્શન હેઠળ બાળકોએ ઉત્સાહપૂર્વક અભિયાન ચલાવ્યું હતું. વિદ્યાર્થીઓએ ગામની શેરીઓ અને જાહેર સ્થળો પરથી પ્લાસ્ટિકનો કચરો એકત્ર કરી સામાજિક જવાબદારીનો ઉત્કૃષ્ટ પરિચય આપ્યો છે.

એકત્રિત થયેલી આ તમામ પ્લાસ્ટિકની બોટલોનો વૈજ્ઞાનિક પદ્ધતિ દ્વારા નિકાલ કરવાને બદલે તેનો રચનાત્મક ઉપયોગ કરવામાં આવ્યો છે. રિસાયક્લિંગ પ્રક્રિયા દ્વારા આ પ્લાસ્ટિકમાંથી શાળાના વિદ્યાર્થીઓ માટે બેસવાની આકર્ષક અને ઉપયોગી બેન્ચ તૈયાર કરવામાં આવશે, જે કચરામાંથી કીમતી વસ્તુ બનાવવાની ઉત્તમ મિશાલ છે.

બાળકોમાં સ્પર્ધાત્મક ભાવના વધે તે માટે સૌથી વધુ બોટલ એકત્ર કરનારને ‘પર્યાવરણ મિત્ર એવોર્ડ’ અપાશે. આ અભિયાન અંતર્ગત વિદ્યાર્થીઓએ સિંગલ-યુઝ પ્લાસ્ટિકનો કાયમ માટે ત્યાગ કરવા અને રિસાયક્લિંગને જીવનમંત્ર બનાવવાની પ્રેરણાદાયી પ્રતિજ્ઞા પણ લીધી હતી. ખીજડીયા શાળાની આ અનુકરણીય પહેલ સમગ્ર રાજ્યના શૈક્ષણિક જગત માટે પ્રેરણારૂપ બની છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande