
જિલ્લા વહીવટી તંત્ર અને INTACHના સહયોગથી વારસાલક્ષી નગર આયોજન તેમજ ઐતિહાસિક ઇમારતોના પુનઃઉપયોગ અંગે ગહન ચર્ચા
રાજકોટ, 09 નવેમ્બર (હિ.સ.) : રાજકોટમાં INTACHના 'હિસ્ટોરિક સિટીઝ સિરીઝ રાજકોટ (૨૦૨૬-૨૦૨૮)' અંતર્ગત ‘રાજકોટ હેરિટેજ ડાયલોગ ૦૧ - વારસાલક્ષી શહેરી વિકાસ માટે ક્ષમતા નિર્માણ’ વિષય પર વિશેષ પરિસંવાદ યોજાયો હતો. આ પ્રસંગે રાજકોટ મ્યુનિસિપલ કમિશનર તુષાર ડી. સુમેરા, જિલ્લા કલેક્ટર ઓમ પ્રકાશ અને DRONAHના પ્રોગ્રામ કો-ઓર્ડિનેટર પારુલ મુંજાલ સહિત વિવિધ સંસ્થાઓના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા. આ સંવાદનો મુખ્ય હેતુ રાજકોટના ઝડપી આધુનિક વિકાસની સાથે શહેરના સમૃદ્ધ ઐતિહાસિક વારસાનું યોગ્ય જતન કરવાનો હતો.
કાર્યક્રમ દરમિયાન 'નેશનલ ઇન્સ્ટીટ્યુટ ઓફ અર્બન અફેર્સ' (NIUA) દ્વારા એક ખાસ ચર્ચા સત્રનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સત્રમાં શહેરના લાંબા ગાળાના વિકાસ આયોજનમાં વારસાની જાળવણીને કેવી રીતે વણી લેવી તે અંગે વિગતવાર વિચાર-વિમર્શ કરાયો હતો. ઝડપી શહેરીકરણ અને નવા બાંધકામોના કારણે જૂની ઐતિહાસિક ઇમારતો અને સંસ્કૃતિ સામે ઊભા થતા પડકારો અંગે ચિંતા વ્યક્ત કરી તેના યોગ્ય ઉકેલો પર નિષ્ણાતોએ ભાર મૂક્યો હતો.
ચર્ચા દરમિયાન રાજકોટના આગામી નવા ડેવલપમેન્ટ પ્લાન ૨૦૪૭માં વારસાલક્ષી યોજનાઓનો પ્રાથમિકતાથી સમાવેશ કરવા પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત ઐતિહાસિક વિસ્તારોની સંભાળ લેવી, જૂની વિરાસત સમાન ઇમારતોનો નાશ કરવાને બદલે તેનો આધુનિક રીતે પુનઃઉપયોગ કરવો, તમામ હેરિટેજ સ્થળોની ચોક્કસ નોંધ રાખવી તેમજ આ વારસાના સંરક્ષણ માટે તમામ સંબંધિત સંસ્થાઓએ એકસંપ થઈને સહિયારો પ્રયાસ કરવો જેવા મહત્વપૂર્ણ મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા થઈ હતી.
INTACH રાજકોટ ચેપ્ટર દ્વારા આયોજિત આ પહેલમાં યંગ ઈન્ડિયન્સ રાજકોટ ચેપ્ટર ક્ષમતા નિર્માણના સહયોગી તરીકે જોડાયું હતું. રાજકોટના સર્કિટ હાઉસ ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં રાજકોટ મહાનગરપાલિકા, જિલ્લા વહીવટી તંત્ર, રૂરલ અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી, INTACH રાજકોટ, રાજકોટ રાજપરિવાર, ઇન્દુભાઈ પારેખ સ્કૂલ ઓફ આર્કિટેક્ચર, રાજકોટ મેનેજમેન્ટ એસોસિએશન અને રોટરી ક્લબ ઓફ રાજકોટ પ્રાઇમના પ્રતિનિધિઓએ હાજરી આપી હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt