


પોરબંદર, 09 નવેમ્બર (હિ.સ.) રાણાવાવ નગરપાલિકા દ્વારા દિપોત્સવીના
પર્વનિમિત્તે નગરની સ્વચ્છતા જાળવવામાં મહત્વની
ભૂમિકા ભજવતી મહિલા સફાઈ કર્મીઓ માટે સરાહનીય
પહેલ કરવામાં આવી હતી. નગરપાલિકા પ્રમુખ
ગીતાબેન જીતેન્દ્ર ભૂતિયાના હસ્તે અંદાજે 50 જેટલી મહિલા સફાઈ કર્મીઓને દિવાળી અને નૂતનવર્ષની શુભકામનાઓ
પાઠવી સાડીનું વિતરણ કરી સન્માનિત કરવામાં
આવી હતી.
નગરને સ્વચ્છ અને સુંદર રાખવા માટે
મહિલા સફાઈ કર્મીઓ દરરોજ પોતાની ફરજ નિષ્ઠાપૂર્વક
નિભાવે છે. તહેવારોના દિવસોમાં પણ તેઓ સ્વચ્છતા
જાળવવા સતત કાર્યરત રહે છે.
આવી કર્મયોગી
મહિલાઓની મહેનત અને સેવાભાવને બિરદાવવાના હેતુથી
પાલિકા પ્રમુખ ગીતા ભુતીયા દ્વારા દિવાળીની
ભેટ આપવામાં આવી હતી. સાડીની ભેટ મળતા
મહિલા સફાઈ કર્મીઓના ચહેરા પર ખુશી જોવા મળી
હતી અને તેમણે પાલિકા પ્રમુખ પ્રત્યે
આભારની લાગણી વ્યક્ત કરી હતી.
દિવાળીનો તહેવાર દરેક
પરિવાર હર્ષોલ્લાસ સાથે ઉજવી શકે અને સામાન્ય
પરિવારની મહિલાઓ પણ તહેવારની ખુશીઓમાં સહભાગી બની શકે તેવા ઉમદા આશયથી કરવામાં આવેલી આ પહેલની શહેરીજનોએ પ્રશંસા કરી હતી.
સફાઈ કર્મીઓના યોગદાનને સન્માન આપતી આ પહેલ રાણાવાવમાં ચર્ચાનું કેન્દ્ર બની હતી.
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya