
મવડી વિસ્તારમાં જાહેર રસ્તા પર ફટાકડાનો ઘા કરવા બાબતે થયેલી તકરાર હિંસક બની
રાજકોટ, 09 નવેમ્બર (હિ.સ.) : રાજકોટના મવડી વિસ્તારમાં દિવાળીની રાત્રે જાહેર રસ્તા પર ફટાકડા ફોડવા બાબતે થયેલી બોલાચાલીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું. વાહન પરથી પસાર થઈ રહેલા અજિત સિંધવ અને તેમના પુત્ર કૃણાલ સિંધવ સાથે આરોપી યશરાજ જાડેજા અને ઇન્દ્રજીત જાડેજાની બોલાચાલી થઈ હતી. શરૂઆતમાં સમાધાન થઈ ગયા બાદ મોડી રાત્રે આરોપીઓએ ઘર પર પથ્થરમારો કરી તીક્ષ્ણ હથિયારો વડે હુમલો કર્યો હતો, જેમાં પિતાનું મોત નીપજ્યું હતું જ્યારે પુત્ર ગંભીર રીતે ઘાયલ થયો હતો.
ઘટનાની વિગતો મુજબ, અજિત સિંધવ અને કૃણાલ સિંધવ હૂડકો વિસ્તારમાંથી પરત ઘર તરફ આવી રહ્યા હતા. એ સમયે જાહેર રસ્તા પર ફટાકડાનો ઘા કરી રહેલા બે ભાઈઓ સાથે બોલાચાલી થઈ હતી. તે સમયે મામલો શાંત પડી ગયો હતો, પરંતુ રાત્રે ૨:૩૦ વાગ્યા આસપાસ આરોપીઓએ વિશ્વેશ્વર મંદિર પાછળ આવેલી મારુતિ સોસાયટીસ્થિત ઘર પર પથ્થરમારો કર્યો હતો.
પથ્થરમારો થતાં જ ઘરની બહાર નીકળેલા અજિત સિંધવ પર આરોપીઓએ ધોકા અને પાઇપ વડે માર મારી છરી વડે સાતથી આઠ ઘા ઝીંકી દીધા હતા. વચ્ચે પડેલા ૨૧ વર્ષીય પુત્ર કૃણાલને પણ પડખા અને પીઠના ભાગે છરીના આડેધડ ઘા વાગ્યા હતા. ગંભીર રીતે ઘવાયેલા પિતા-પુત્રને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ૪૩ વર્ષીય અજિત સિંધવનું આજે સવારે સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.
મૃતક અને તેમનો પુત્ર સ્કૂલ વેન ચલાવી પરિવારનું ગુજરાન ચલાવતા હતા. આરોપીઓ નજીકમાં જ રહેતા હોવાથી પરિચિત હતા. સામાન્ય બાબતમાં છરી વડે હુમલો કરી જીવન છીનવી લેવાતા પરિવારે ન્યાયની માંગ કરી છે.
હાલમાં માલવિયાનગર પોલીસે હત્યાની કલમનો ઉમેરો કરીને આરોપીઓની ધરપકડ કરવા માટેની તજવીજ હાથ ધરી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt