

પાટણ, 09 નવેમ્બર (હિ.સ.) : પાટણ શહેરના એનજીએસ કોલેજ ગ્રાઉન્ડ ખાતે આર્ટ ઓફ લિવિંગ દ્વારા 'ભક્તિ પર્વ' અંતર્ગત 13 નવેમ્બરના રોજ વિશેષ દેવી પૂજા મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમની વિશેષતા એ છે કે પ્રથમ વખત બેંગલોર આશ્રમની બહાર આટલા વિશાળ સ્તરે દેવી પૂજાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. ગુજરાતનાં વિવિધ શહેરોમાંથી મળેલી 45થી 50 જેટલી દરખાસ્તોમાંથી પાટણની પસંદગી કરવામાં આવી છે. આર્ટ ઓફ લિવિંગ સંસ્થાના 45 વર્ષ પૂર્ણ થવાના અવસરે યોજાનારા આ કાર્યક્રમમાં સંસ્થાના વડા શ્રી શ્રી રવિશંકર સવારે 9:30 કલાકે હેલિકોપ્ટર મારફતે પાટણ પહોંચશે.
મહોત્સવ અંતર્ગત પરાશક્તિની વિશેષ દેવી પૂજા વૈદિક પરંપરા અને મંત્રોચ્ચાર સાથે સંપન્ન કરવામાં આવશે. આ પૂજાવિધિ માટે ખાસ કર્ણાટકથી પંડિતો અને વિદ્વાન બ્રાહ્મણો પાટણ આવશે. રવિશંકરના સાનિધ્યમાં યોજાનારા આ ધાર્મિક મહોત્સવમાં પાટણ સહિત સમગ્ર ઉત્તર ગુજરાત અને રાજ્યભરમાંથી અંદાજે 5,000થી 7,000 ભક્તો ઉપસ્થિત રહે તેવી શક્યતા છે. કાર્યક્રમ બાદ રવિશંકર ટીઓકે સેન્ટરની પણ મુલાકાત લેશે. આ અંગે માહિતી આપતાં જયેશ પટેલ અને ડાયાભાઈએ જણાવ્યું હતું કે વિશ્વના 180થી વધુ દેશોમાં કાર્યરત સંસ્થા દ્વારા પાટણ જેવા નગરની પસંદગી થવી એ ગૌરવની બાબત છે.
રવિશંકરને મળેલી Z+ સુરક્ષાને ધ્યાનમાં રાખીને સુરક્ષા એજન્સીઓ દ્વારા ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. તેમના આગમનથી લઈને પૂજાવિધિ અને ત્યારબાદની મુલાકાત સુધીનો મિનિટ-ટુ-મિનિટ કાર્યક્રમ સુરક્ષા પ્રોટોકોલ મુજબ તૈયાર કરવામાં આવ્યો છે. દિવાળી વેકેશન દરમિયાન યોજાનારા આ ભવ્ય ધાર્મિક કાર્યક્રમને સફળ બનાવવા માટે આયોજકો તેમજ સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા તૈયારીઓ તેજ કરવામાં આવી છે. પાટણમાં પ્રથમ વખત યોજાનારા આ વિશેષ દેવી પૂજા મહોત્સવને લઈને ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ