
- બોક્સાઈટ ભરેલા ડમ્પર છોડાવવાના બદલામાં લાંચની માગણી કરી હતી.- અગાઉ રૂ.30 હજાર લીધા બાદ બાકીની રકમ સ્વીકારતી વખતે એસીબીએ ઝડપી પાડ્યો.
કચ્છ, 09 નવેમ્બર (હિ.સ.) : કચ્છમાં લાંચિયા કર્મચારીઓ સામે એન્ટિ કરપ્શન બ્યૂરો (એસીબી)ની કાર્યવાહીઓ વચ્ચે માંડવી તાલુકાના કોડાય પોલીસ મથકમાં ફરજ બજાવતા એક હેડ કોન્સ્ટેબલને રૂ.70 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપી પાડવામાં આવ્યો છે. પોલીસ મથકમાં વાહનો છોડાવવા માટે લાંચની માગણી કરવામાં આવી હોવાની ફરિયાદના આધારે ભુજ એસીબીની ટીમે છટકું ગોઠવી આ કાર્યવાહી હાથ ધરી હતી.
ભુજ એસીબી દ્વારા જાહેર કરવામાં આવેલી વિગતો અનુસાર, ફરિયાદીની બોક્સાઈટ ખનિજ ભરેલી આઈવા ડમ્પર ગાડીઓ કોડાય પોલીસ દ્વારા ભારતીય ન્યાય સંહિતાની કલમ 35 હેઠળ કબજે કરવામાં આવી હતી. ત્યારબાદ આ વાહનો અંગે ખનિજ વિભાગ, ભુજ અને કોર્ટને રિપોર્ટ કરવામાં આવ્યો હતો. આ સમગ્ર પ્રકરણની તપાસની જવાબદારી કોડાય પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ વિપુલ દલજીભાઈ ચૌધરી સંભાળી રહ્યા હતા.
દરમિયાન ફરિયાદીએ પોતાના કબજે કરાયેલા વાહનો છોડાવવા માટે ભૂસ્તરશાસ્ત્રી કચેરી, ભુજ તથા માંડવી કોર્ટમાંથી જરૂરી હુકમો મેળવ્યા હતા. આ હુકમો લઈને તેઓ કોડાય પોલીસ મથકે પહોંચ્યા અને તપાસકર્તા હેડ કોન્સ્ટેબલ વિપુલ ચૌધરીને વાહનો મુક્ત કરવાની રજૂઆત કરી હતી. જોકે, વાહનોની ચાવીઓ પરત આપવા અને વાહનો છોડાવવાની કાર્યવાહી કરવા બદલ હેડ કોન્સ્ટેબલ દ્વારા રૂ.2 લાખની લાંચ માગવામાં આવી હોવાનો આક્ષેપ ફરિયાદમાં કરવામાં આવ્યો હતો.
આખરે રકઝક બાદ રૂ.1 લાખ આપવાનું નક્કી થયું હતું, જેમાંથી ફરિયાદીએ અગાઉ રૂ.30 હજાર રોકડા ચૂકવ્યા હતા. બાકીના રૂ.70 હજાર ચૂકવવામાં આવે ત્યારબાદ વાહનોની ચાવીઓ પરત આપવાની વાત કરવામાં આવી હતી. સરકારી ફરજના બદલામાં માગવામાં આવેલી આ ગેરકાયદે રકમ ચૂકવવાની ઇચ્છા ન હોવાથી ફરિયાદીએ ભુજ એસીબીનો સંપર્ક કરી સમગ્ર હકીકત જણાવી હતી.
ફરિયાદના આધારે એસીબી દ્વારા લાંચનું છટકું ગોઠવવામાં આવ્યું હતું. નક્કી થયા મુજબ ફરિયાદી પાસેથી બાકીના રૂ.70 હજાર સ્વીકારતી વખતે કોડાય પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ વિપુલ દલજીભાઈ ચૌધરીને એસીબીની ટીમે રંગેહાથ ઝડપી પાડ્યા હતા.
આ સમગ્ર ટ્રેપની ગોઠવણી ભુજ એસીબીના પોલીસ ઇન્સ્પેક્ટર જે.જે. ચૌધરી દ્વારા કરવામાં આવી હતી. એસીબી પોલીસ સ્ટેશનના સ્ટાફે સફળતાપૂર્વક કાર્યવાહી પાર પાડતાં પોલીસ વિભાગમાં ચર્ચા જાગી છે. કાયદાના અમલની જવાબદારી ધરાવતા પોલીસ કર્મચારી જ લાંચના છટકામાં ઝડપાતાં સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar