માધાપરમાં દારૂના મોટા નેટવર્કનો પર્દાફાશ! રૂ.32.63 લાખનો વિદેશી દારૂ ઝડપાયો
વાહનો સહિત રૂ.74.13 લાખનો મુદ્દામાલ જપ્ત.- સ્ટેટ મોનિટરિંગ સેલની ગત મોડીરાત્રે મોટી કાર્યવાહી. કચ્છ, 09 નવેમ્બર (હિ.સ.) : પશ્ચિમ કચ્છમાં દારૂની ગેરકાયદે હેરાફેરી સામે સ્ટેટ મોનિટરિંગ સેલે મોટી કાર્યવાહી કરીને માધાપર વિસ્તારમાંથી ભારતીય બનાવટના વ
માધાપર ખાતે થી ઝડપાયેલા આરોપીઓ


માધાપર ખાતે થી ઝડપાયેલા આરોપીઓ


- વાહનો સહિત રૂ.74.13 લાખનો મુદ્દામાલ જપ્ત.- સ્ટેટ મોનિટરિંગ સેલની ગત મોડીરાત્રે મોટી કાર્યવાહી.

કચ્છ, 09 નવેમ્બર (હિ.સ.) : પશ્ચિમ કચ્છમાં દારૂની ગેરકાયદે હેરાફેરી સામે સ્ટેટ મોનિટરિંગ સેલે મોટી કાર્યવાહી કરીને માધાપર વિસ્તારમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂ અને બીયરનો જંગી જથ્થો ઝડપી પાડ્યો છે. નવાવાસની પાર્શ્વનાથ સોસાયટીમાં આવેલા એક બંધ કમ્પાઉન્ડવાળા પ્લોટમાં કરવામાં આવેલી આ રેડ દરમિયાન દારૂની આશરે 311 પેટીઓમાંથી કુલ 8,343 બોટલો કબજે કરવામાં આવી હતી. દારૂના જથ્થાની કિંમત રૂ.32,63,012 આંકવામાં આવી છે. આ ઉપરાંત સાત વાહનો, નવ મોબાઈલ ફોન, રોકડ રકમ સહિત કુલ રૂ.74,13,688નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.

પોલીસ સબ ઇન્સ્પેક્ટર કે.ડી. રવિયાની ટીમે મળેલી બાતમીના આધારે ભુજ તાલુકાના માધાપર, નવાવાસ સ્થિત પારશ્વનાથ સોસાયટીમાં કુલદીપસિંહ નટુભા વાઘેલાના બંધ કમ્પાઉન્ડવાળા પ્લોટમાં દરોડો પાડ્યો હતો.

દરોડા દરમિયાન સ્થળ પરથી દારૂનો મોટો જથ્થો મળી આવતાં પોલીસ પણ ચોંકી ઊઠી હતી. તપાસમાં દારૂની હેરાફેરી અને સંગ્રહ સાથે સંકળાયેલા હોવાની આશંકા હેઠળ ચાર વ્યક્તિઓને ઝડપી લેવામાં આવ્યા હતા. પકડાયેલા આરોપીઓમાં ઉત્તર પ્રદેશના હાથરસ જિલ્લાના હરીશકુમાર શ્યામવિરસિંહ જાટ ઉપરાંત માધાપરના હરદીપસિંહ પ્રવિણસિંહ ઝાલા, વિશ્વરાજસિંહ ભીખુભા જાડેજા અને માંડવી તાલુકાના દરસડી ગામના અનિલસિંહ લઘુભા જાડેજાનો સમાવેશ થાય છે.

પોલીસ તપાસમાં ચંદીગઢથી દારૂનો જથ્થો લાવી આપનાર વ્યક્તિ, દિલ્હી અને ગુડગાંવ સાથે જોડાયેલા શખ્સો તેમજ સ્થાનિક સ્તરે સંકળાયેલા અન્ય લોકોની ભૂમિકા પણ તપાસના ઘેરામાં આવી છે. આ ગુનામાં મુખ્ય આરોપી ગણાતા કુલદીપસિંહ નટુભા વાઘેલા સહિત કુલ 16 આરોપીઓને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. હેરાફેરીમાં ઉપયોગમાં લેવાયેલી કાર, મોટરસાઇકલ અને ટ્રકના માલિકો સહિત અન્ય શખ્સોની પણ શોધખોળ હાથ ધરવામાં આવી છે.

આ મામલે માધાપર પોલીસ મથકમાં પ્રોહિબિશન ગુનો નોંધવામાં આવ્યો છે. દારૂનો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો, કોને પહોંચાડવાનો હતો અને આ સમગ્ર નેટવર્કમાં અન્ય કેટલા લોકો સામેલ છે તે દિશામાં વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar


 rajesh pande