


કાર અને બાઇક વચ્ચેની ટક્કરમાં બે વ્યક્તિના કરુણ મોત, એક ઘાયલ; ઘટનાસ્થળે લોકોના ટોળાં ઉમટ્યાં, સળગાવાયેલી કાર બળીને ખાખ, પોલીસે કારચાલકને રાઉન્ડઅપ કર્યો
કચ્છ, 09 નવેમ્બર (હિ.સ.): કચ્છના ભુજ તાલુકામાં નારાણપર નજીક સર્જાયેલા ગમખ્વાર માર્ગ અકસ્માતે ભારે ચકચાર મચાવી છે. કાર અને બાઇક વચ્ચે થયેલી જોરદાર ટક્કરમાં બે વ્યક્તિના મોત નીપજતાં સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી સાથે ઉગ્ર રોષની સ્થિતિ ઊભી થઈ હતી. આ અકસ્માતમાં અન્ય એક વ્યક્તિને ઇજાઓ પહોંચતાં તેને સારવારની જરૂર પડી હતી. બે વ્યક્તિના કરુણ મોતના સમાચાર વાયુવેગે આસપાસના વિસ્તારોમાં ફેલાતાં મોટી સંખ્યામાં લોકો ઘટનાસ્થળે એકત્રિત થયા હતા અને પરિસ્થિતિ તંગ બની હતી.
પ્રાપ્ત વિગતો અનુસાર, નારાણપર નજીક ગત મોડીરાત્રે કાર અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. અકસ્માતની ગંભીરતા એટલી હતી કે તેમાં બે વ્યક્તિએ જીવ ગુમાવ્યા હતા, જ્યારે એક વ્યક્તિ ઇજાગ્રસ્ત બની હતી. ઘટનાની જાણ થતાં જ આસપાસના લોકો મોટી સંખ્યામાં સ્થળ પર દોડી આવ્યા હતા. બે વ્યક્તિના મોતના પગલે સ્થાનિક લોકો અને સંબંધિત સમાજના લોકોમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો. જોતજોતામાં ઘટનાસ્થળે લોકોનાં ટોળાં એકત્રિત થતાં વાતાવરણ તંગદિલીભર્યું બન્યું હતું.
અકસ્માાત બાદ સર્જાયેલી ઉગ્ર સ્થિતિ વચ્ચે કેટલાક ઉશ્કેરાયેલા લોકોએ અકસ્માતમાં સંડોવાયેલી કારને નિશાન બનાવી હતી. રોષે ભરાયેલા ટોળાએ કારને આગ ચાંપી દેતાં જોતજોતામાં વાહન આગની લપેટમાં આવી ગયું હતું અને સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગયું હતું. એક તરફ બે વ્યક્તિના મોતથી પરિવારજનોમાં આક્રંદ છવાયો હતો, તો બીજી તરફ ઘટનાસ્થળે વધતી જતી ભીડ અને ઉશ્કેરાટને કારણે સ્થિતિ વધુ સંવેદનશીલ બની હતી.
ઘટનાની જાણ થતાં માનકુવા પોલીસનો કાફલો તાત્કાલિક સ્થળ પર પહોંચ્યો હતો. પોલીસે સ્થાનિક લોકો સાથે વાતચીત કરી પરિસ્થિતિને કાબૂમાં લેવાના પ્રયાસો હાથ ધર્યા હતા. ભારે તંગદિલી બાદ મૃતકોના મૃતદેહને હોસ્પિટલ ખસેડવાની કાર્યવાહી કરવામાં આવી હતી.
બીજી તરફ પોલીસે અકસ્માત સર્જનાર કારચાલકને રાઉન્ડઅપ કરી આગળની તપાસ શરૂ કરી છે. અકસ્માત કયા સંજોગોમાં સર્જાયો, બેદરકારી કોની હતી અને સમગ્ર ઘટનામાં અન્ય કોઈ પાસાં સંકળાયેલાં છે કે કેમ તે સહિતની દિશામાં પોલીસ તપાસ કરી રહી છે. નારાણપર નજીક સર્જાયેલી આ ઘટનાએ માર્ગ અકસ્માત બાદ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ અંગે પણ અનેક સવાલો ઊભા કર્યા છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar