
પાલનપુર/અમદાવાદ,09 નવેમ્બર (હિ.સ.) બનાસકાંઠાના પાલનપુરની માવજત મલ્ટિ સ્પેશિયાલિટી હોસ્પિટલમાં શનિવાર સાંજે અચાનક આગ લાગતાં ભારે અફરાતફરી સર્જાઈ હતી. બીજા માળ અને ધાબાના ભાગે આગ ફેલાતાં દર્દીઓમાં ગભરાટ ફેલાયો હતો.માવજત હોસ્પિટલના રસોડામાં અચાનક આગ ફાટી નીકળી હતી.
ફાયર બ્રિગેડની 3 ગાડીઓએ આગ પર કાબૂ મેળવ્યો, તમામ દર્દીઓને સુરક્ષિત બહાર ખસેડાયા.
બનાસકાંઠા: પાલનપુરમાં આવેલી માવજત હોસ્પિટલમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળતાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. હોસ્પિટલના રસોડાના વિભાગમાં અચાનક આગ લાગતાં ધુમાડાના ગોટેગોટા નીકળવા લાગ્યા હતા. આગની ઘટનાને પગલે હોસ્પિટલ પરિસરમાં ભાગદોડ મચી ગઈ હતી.
જોકે, હોસ્પિટલના સતર્ક સ્ટાફ અને સ્થાનિક લોકોની સમયસૂચકતાને કારણે, હોસ્પિટલમાં દાખલ તમામ દર્દીઓને તાત્કાલિક સુરક્ષિત રીતે બહાર ખસેડવામાં આવ્યા હતા. પરિણામે મોટી હોનારત ટળી હતી.
ગંભીર દર્દીઓને ઓક્સિજન સિલિન્ડર સાથે સુરક્ષિત રીતે રેસ્ક્યૂ કર્યા હતા. કેટલાક દર્દીઓને ઓક્સિજનની બોટલ સાથે જ બહાર ખસેડાયા હતાં. પ્રાથમિક અનુમાન મુજબ હોસ્પિટલના રસોડામાંથી આગ શરૂ થઈ ઉપરના માળ સુધી ફેલાઈ હતી.
બનાવની જાણ થતાં ફાયર વિભાગનો કાફલો, તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યો હતો અને ભારે જહેમત બાદ આગ બુઝાવવાની કામગીરી કરી હતી. સમયસર દર્દીઓને બહાર ખસેડાતાં મોટી દુર્ઘટના ટળી હતી. દરમિયાન સ્થાનિક ધારાસભ્ય અનિકેત ઠાકર હોસ્પિટલ પહોંચ્યા હતા અને દર્દીઓ તથા મેનેજમેન્ટ સાથે મુલાકાત કરી પરિસ્થિતિની માહિતી મેળવી હતી.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ