સુરતમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની પ્રેરક ઉપસ્થિતિમાં દીપાવલી અને નૂતન વર્ષ સ્નેહમિલન સમારોહ યોજાયો
સુરત, 09 નવેમ્બર (હિ.સ.): સુરત શહેરના મહારાજા અગ્રસેન ભવન ખાતે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની પ્રેરક ઉપસ્થિતિમાં દીપાવલી અને વિક્રમ સંવત 2083ના નૂતન વર્ષ સ્નેહમિલન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે નાયબ મુખ્યમંત્રીએ સમગ્ર ગુજરાતના નાગરિ
New Year 'Sneh Milan


સુરત, 09 નવેમ્બર (હિ.સ.): સુરત શહેરના મહારાજા અગ્રસેન ભવન ખાતે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની પ્રેરક ઉપસ્થિતિમાં દીપાવલી અને વિક્રમ સંવત 2083ના નૂતન વર્ષ સ્નેહમિલન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે નાયબ મુખ્યમંત્રીએ સમગ્ર ગુજરાતના નાગરિકો તેમજ તહેવારોના દિવસોમાં પણ પરિવારથી દૂર રહીને નિષ્ઠાપૂર્વક ફરજ બજાવતા કર્મયોગીઓને દીપાવલી અને નવા વર્ષની હાર્દિક શુભકામનાઓ પાઠવી હતી.

નાયબ મુખ્યમંત્રીએ આપણી પ્રાચીન સંસ્કૃતિ અને પરંપરાના સંવર્ધન માટે તમામ વ્યવહારો અને લખાણોમાં 'વિક્રમ સંવત' કેલેન્ડરનો ઉપયોગ કરવા સૌને અનુરોધ કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, અંગ્રેજી કેલેન્ડર પદ્ધતિની તુલનાએ આપણી પંચાંગ-કેલેન્ડર પદ્ધતિ ખગોળીય ગણતરીઓ, ઋતુઓ અને તિથિઓ સાથે જોડાયેલી અત્યંત વૈજ્ઞાનિક તથા સમૃદ્ધ વિરાસત છે. વર્ષો જૂની આ ગૌરવપૂર્ણ વૈજ્ઞાનિક વિરાસતને આવનારી પેઢી સુધી પહોંચાડવી એ આપણી સહુની સામૂહિક જવાબદારી છે.

દિવાળી પર્વ દરમિયાન સામાન્ય નાગરિકો પરિવાર સાથે નિર્ભયતા અને આનંદથી તહેવાર ઉજવી શકે તે માટે સતત કાર્યરત રહેતા પોલીસ વિભાગ, મ્યુનિસિપલ કોર્પોરેશનના સ્વચ્છતાદૂતો, GSRTCના ડ્રાઇવર-કંડક્ટર અને ફાયર બ્રિગેડના જવાનોની સમર્પિત સેવાઓને તેમણે વિશેષરૂપે બિરદાવી હતી. રાત-દિવસ એક કરીને નાગરિકોની સુરક્ષા અને સુવિધા જાળવતા આ કર્મયોગીઓની નિષ્ઠા જ રાજ્યના વિકાસનું સાચું બળ છે તેમ જણાવતા તેમણે ઉમેર્યું હતું કે, રાજ્યમાં જી.એસ.ટી.ની આવકમાં થયેલા સતત વધારા સાથે ગુજરાત ઝડપી વિકાસની નવી ઊંચાઈઓ સર કરી રહ્યું છે.

નવા વર્ષના પ્રારંભે ભૂતકાળના તમામ મતભેદો ભૂલીને, નવા ચોપડાની જેમ નવા સંબંધોની શરૂઆત કરી રાજ્યના જનકલ્યાણ અર્થે એક ટીમ તરીકે કાર્યરત રહેવા તેમણે આહવાન કર્યું હતું. વિશેષરૂપે પોલીસ સ્ટેશનો અને પોલીસ આવાસોના પરિસરને રાજ્યમાં સૌથી સ્વચ્છ, સુઘડ અને આદર્શ બનાવવા તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું.

આ સ્નેહમિલન સમારોહમાં જિલ્લા કલેક્ટર તેજસ પરમાર, મ્યુનિસિપલ કમિશનર રાજકુમાર બેનીવાલ તથા પોલીસ કમિશનર વાબાંગ ઝમીરે ઉપસ્થિત રહી તમામને નૂતન વર્ષની શુભકામનાઓ પાઠવી હતી તેમજ શહેર અને જિલ્લાને પ્રગતિના નવા શિખરો પર લઈ જવા ટીમવર્કથી કાર્ય કરવા સંકલ્પ વ્યક્ત કર્યો હતો. કાર્યક્રમ બાદ નાયબ મુખ્યમંત્રીએ મીડિયા કર્મીઓ તથા સંગઠનના કાર્યકર્તાઓ સાથે શુભેચ્છા મુલાકાત કરી નવા વર્ષની શુભેચ્છાઓનું આદાન-પ્રદાન કર્યું હતું.

આ પ્રસંગે સુડાના સીઈઓ રાજ સુથાર, સુરત રેન્જ આઈજી પ્રેમવીરસિંહ, એડિશનલ પોલીસ કમિશનર (ટ્રાફિક) સજ્જનસિંહ પરમાર, એડિશનલ પોલીસ કમિશનર કરણરાજ વાઘેલા, બલરામ મીણા, જિલ્લા વહીવટી તંત્ર, સુરત મહાનગરપાલિકા, પોલીસ વિભાગ, GSRTC અને RTO વિભાગના ઉચ્ચ અધિકારીઓ-કર્મચારીઓ તથા સામાજિક-રાજકીય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande