
પાટણ, 09 નવેમ્બર (હિ.સ.) : પાટણના સુપ્રસિદ્ધ શ્રી પદ્મનાભ ભગવાનના ગોલ્ડન ટેમ્પલ મંદિર પરિસરને દિવાળી અને નવા વર્ષના પાવન પર્વ નિમિત્તે રંગબેરંગી આકર્ષક લાઇટોથી શણગારવામાં આવ્યું હતું. શ્રી પદ્મનાભ મંદિર ટ્રસ્ટ દ્વારા કરવામાં આવેલી આ સુંદર રોશનીથી સમગ્ર મંદિર પરિસર ઝળહળી ઊઠ્યું હતું. દિવાળીના દિવસે પ્રજાપતિ સમાજના પરિવારજનોએ મંદિરે પહોંચીને ભગવાનની પૂજા-અર્ચના કરી હતી તેમજ પરંપરા મુજબ મેર મેરૈયા પ્રગટાવી ધાર્મિક ઉત્સાહ સાથે તહેવારની ઉજવણી કરી હતી.
આ પ્રસંગે પરિવારજનોએ મંદિર પરિસરની પરિક્રમા કરી વિશ્વશાંતિ, સુખ-સમૃદ્ધિ અને સૌના કલ્યાણ માટે પ્રાર્થના કરી હતી. સાથે જ તાજેતરમાં નિર્માણ પામેલા આકર્ષક ગોલ્ડન ટેમ્પલની ભવ્યતા અને મંદિર ટ્રસ્ટી મંડળ દ્વારા કરવામાં આવેલી વિવિધ કામગીરીની પરિવારજનોએ પ્રશંસા કરી હતી. મંદિરની સુંદર સજાવટ અને ધાર્મિક માહોલે ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો.
નવા વર્ષના પ્રારંભે દર્શનાર્થે આવતા ભક્તોને કોઈ અગવડતા ન પડે તે માટે મંદિર ટ્રસ્ટ દ્વારા વિશેષ વ્યવસ્થાઓ કરવામાં આવી હતી. પદ્મનાભ મુક્તિધામ ખાતે વાહનો માટે પાર્કિંગની સુવિધા ઊભી કરવામાં આવી હતી, જ્યારે વાડી પરિસરમાં ધૂળ ન ઊડે તે માટે પાણીનો છંટકાવ પણ કરાયો હતો. મંદિર ટ્રસ્ટના પ્રમુખ યશપાલ સ્વામીએ આ અંગેની માહિતી આપતાં પાટણના તમામ નગરજનોને નવા વર્ષની હાર્દિક શુભેચ્છાઓ પાઠવી હતી.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ