
રાજકોટ, 09 નવેમ્બર (હિ.સ.) રાજકોટ જિલ્લા ખેતીવાડી અધિકારી દ્વારા ઘઉંનું વાવેતર કરતા ખેડૂતો માટે સંકલિત રોગ-જીવાત નિયંત્રણ અંગે વિશેષ માર્ગદર્શિકા બહાર પાડવામાં આવી છે. ઘઉંના પાકને ઉધઈ તેમજ અન્ય રોગોથી સુરક્ષિત રાખીને ઉત્તમ ઉત્પાદન મેળવવા માટે વાવણી પહેલાં અને વાવણી સમયે કેટલાક મહત્વપૂર્ણ વ્યવસ્થાપકીય પગલાં લેવા અત્યંત આવશ્યક છે.
વાવણી પૂર્વે જમીનની યોગ્ય તૈયારી માટે ચોમાસુ પાકની કાપણી બાદ ખેતરમાં બેથી ત્રણ ખેડ કરીને જડીયા તેમજ મૂળિયાં વીણીને દૂર કરવા જોઈએ અને સમાર મારી જમીનને સમતળ કરવી જરૂરી છે. જમીન ભાસ્મિક હોય તો હેક્ટર દીઠ એક ટન ચીરોડી (જીપ્સમ) આપવી. ઉધઈનો ઉપદ્રવ ઘટાડવા માટે અગાઉના પાકના અવશેષો, પાંદડાં અને મૂળનો નાશ કરવો તેમજ સારું કોહવાયેલું છાણિયું ખાતર તથા દિવેલા, લીંબોળી કે કરંજ જેવા ખોળનો ઉપયોગ કરવો હિતાવહ છે.
પાકમાં ગેરુ રોગ સામે રક્ષણ મેળવવા માટે જી.ડબલ્યુ-૪૯૬, જી.ડબલ્યુ-૧૯૦, જી.ડબલ્યુ-૩૨૨, જી.ડબલ્યુ-૨૭૩, જી.ડબલ્યુ-૧૫૫૫ અને જી.ડબલ્યુ-૧૧૩૯ જેવી પ્રતિકારક જાતોની પસંદગી કરવી જોઈએ. ઉધઈના ઓછા ખર્ચે અસરકારક નિયંત્રણ માટે વાવણીની આગલી રાત્રે ૧૦૦ કિલોગ્રામ બિયારણ દીઠ બાયફેન્થ્રીન ૧૦ ઈસી ૨૦૦ મિ.લિ., ફીપ્રોનીલ ૫ એસસી ૬૦૦ મિ.લિ. અથવા ક્લોરપાયરીફોસ ૨૦ ઈસી ૪૦૦ મિ.લિ. દવાને પાંચ લિટર પાણીમાં મિક્સ કરી પટ આપવો.
બિયારણને પટ આપતી વખતે સૌપ્રથમ ફૂગનાશક, ત્યારબાદ કીટનાશક અને અંતમાં જૈવિક ખાતરનો પટ આપી આખી રાત સૂકવ્યા પછી જ બીજા દિવસે વાવણી કરવી.
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt