

પાટણ, 09 નવેમ્બર (હિ.સ.) : માતૃગયા તીર્થ તરીકે પ્રખ્યાત સિદ્ધપુરમાં આગામી કાર્તિકી પૂર્ણિમા નિમિત્તે યોજાનારા સાત દિવસીય ભવ્ય કાત્યોક મેળાની તૈયારીઓ પૂરજોશમાં શરૂ થઈ ગઈ છે. મેળામાં સ્ટોલ, ખાણીપીણીની દુકાનો અને રાઇડ્સ માટે જગ્યાની ફાળવણીની જાહેર હરાજી અને ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી છે.
સિદ્ધપુર નગરપાલિકાની નવી ચૂંટાયેલી પાંખ દ્વારા પ્રથમ વખત ટેન્ડર પ્રક્રિયા સંપૂર્ણ પારદર્શક રીતે હાથ ધરવામાં આવી હતી. પ્રમુખ રણજીતસિંહ સોલંકીની ઉપસ્થિતિમાં તમામ નગરસેવકોની હાજરીમાં ખુલ્લી હરાજી યોજાઈ હતી.
પ્રમુખની આ પારદર્શક વહીવટી કાર્યશૈલીને નગરસેવકો દ્વારા આવકારવામાં આવી રહી છે. હરાજી પ્રક્રિયા પૂર્ણ થતાં મેળાના આયોજનને આખરી ઓપ આપવાની કામગીરી પણ ઝડપી બનાવવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે, કાત્યોકના મેળામાં દર વર્ષે ગુજરાતભરમાંથી લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ અને સહેલાણીઓ ઉમટી પડે છે. મુલાકાતીઓની સુવિધા, સુરક્ષા અને કાયદો-વ્યવસ્થા જળવાઈ રહે તે માટે નગરપાલિકા અને વહીવટી તંત્ર દ્વારા જરૂરી તૈયારીઓ હાથ ધરવામાં આવી રહી છે.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ