દિવાળી પર્વ પર રાજકોટ ફાયર બ્રિગેડ ખડેપગે: 3 દિવસમાં આગના 216 કોલ મળ્યા
સમયસરની કામગીરીથી જાનહાની ટળી; એક જ રાતમાં 148 ઘટનાઓ સામે આવી રાજકોટ, 09 નવેમ્બર (હિ.સ.) : રાજકોટમાં દિવાળીના તહેવાર દરમિયાન આગની અનેક ઘટનાઓ સામે આવી હતી. આ તહેવાર દરમિયાન ફાયર બ્રિગેડની ટીમો રાતભર સતત દોડતી રહી હતી. ધનતેરસથી દિવાળી સુધીના ત્રણ દિ
આગની ઘટના


સમયસરની કામગીરીથી જાનહાની ટળી; એક જ રાતમાં 148 ઘટનાઓ સામે આવી

રાજકોટ, 09 નવેમ્બર (હિ.સ.) : રાજકોટમાં દિવાળીના તહેવાર દરમિયાન આગની અનેક ઘટનાઓ સામે આવી હતી. આ તહેવાર દરમિયાન ફાયર બ્રિગેડની ટીમો રાતભર સતત દોડતી રહી હતી. ધનતેરસથી દિવાળી સુધીના ત્રણ દિવસમાં આગ લાગવાના કુલ 216 કોલ નોંધાયા હતા, જેમાંથી એક જ રાતમાં 148 કોલ મળ્યા હતા. ફાયર વિભાગની ઝડપી કામગીરીના કારણે તમામ ઘટનાઓમાં કોઈ જાનહાની થઈ નહોતી.

તહેવારની ઉજવણી વચ્ચે શહેરના ગીચ અને સંવેદનશીલ વિસ્તારોમાં કોઈ દુર્ઘટના ન સર્જાય તે માટે ફાયર વિભાગ દ્વારા પૂર્વ આયોજન કરવામાં આવ્યું હતું. ઇમરજન્સી પરિસ્થિતિમાં ટૂંકા સમયમાં ઘટનાસ્થળે પહોંચી શકાય તે હેતુથી શહેરના અલગ-અલગ 8 વિસ્તારોમાં હંગામી ફાયર સ્ટેશનો ઊભા કરવામાં આવ્યા હતા. આ આયોજનને કારણે કોલ મળતા જ ફાયર ફાઈટરો ગણતરીની મિનિટોમાં સ્થળ પર પહોંચી શક્યા હતા.

દિવાળીની રાત્રે શહેર તેમજ આસપાસના વિસ્તારોમાં નાની-મોટી આગની ઘટનાઓ સતત બનતી રહી હતી. અમદાવાદ હાઇવે પર આવેલા સોખડા ગામ પાસે 2 કારખાનામાં ભીષણ આગ લાગી હતી. આ આગ પર કાબૂ મેળવવા માટે ફાયર બ્રિગેડની ટીમોએ આખી રાત જહેમત ઉઠાવવી પડી હતી. આ ઉપરાંત ગોકુલનગર, એરપોર્ટ રોડ અને બેડી ચોકડી સહિતના વિવિધ વિસ્તારોમાં પણ ફટાકડાના કારણે આગ લાગવાના બનાવો બન્યા હતા.

તહેવાર દરમિયાન પરિસ્થિતિને પહોંચી વળવા ફાયર વિભાગ દ્વારા વિશેષ પગલાં લેવામાં આવ્યા હતા. ધનતેરસથી દિવાળી સુધી તમામ અધિકારીઓ અને કર્મચારીઓની રજાઓ રદ્દ કરી દેવામાં આવી હતી. 180 જેટલા જવાનો છેલ્લા ત્રણ દિવસથી 24 કલાક સતત ફરજ પર રહ્યા હતા. સતત મળતા કોલ છતાં ટીમોએ તાત્કાલિક સ્થળ પર પહોંચી પાણીનો મારો ચલાવીને સ્થિતિ પર કાબૂ મેળવ્યો હતો.

અગ્નિશામક દળની સતર્કતા અને સમયસૂચકતાને કારણે આગની ઘટનાઓ મોટું સ્વરૂપ ધારણ કરી શકી નહોતી. દરેક સ્થળે સમયસર આગ પર કાબૂ મેળવી લેવાતાં મોટી હોનારત ટળી હતી અને કોઈ પણ નાગરિકને ઈજા કે જાનહાની પહોંચી નહોતી. આ કામગીરીને પગલે તહેવાર દરમિયાન શહેરમાં મોટી મિલકતકીય નુકસાની અને અકસ્માતો અટકાવી શકાયા હતા.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande