
રાજકોટ, 09 નવેમ્બર (હિ.સ.) : રાજકોટ શહેરના યુવાધનને નશાની બદીથી બચાવવા રાજકોટ Special Operations Group (SOG) દ્વારા નશાના કારોબારીઓ સામે કડક ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. જાન્યુઆરીથી ઓક્ટોબર 2026 દરમિયાન SOG દ્વારા હાથ ધરાયેલી કાર્યવાહીમાં રૂ. 2.25 કરોડથી વધુની કિંમતનો ગેરકાયદે માદક પદાર્થોનો જથ્થો કબજે કરવામાં આવ્યો છે. રાજ્યના જિલ્લાવાર આંકડા મુજબ NDPS હેઠળ કેસ નોંધવામાં રાજકોટ SOG પ્રથમ ક્રમે છે.
SOG દ્વારા ‘સે નો ટુ ડ્રગ્સ’ મિશન અંતર્ગત નશીલા પદાર્થોના વેચાણ, હેરાફેરી અને સંગ્રહ સામે સતત દરોડા પાડવામાં આવી રહ્યા છે. SOG PI એન.બી. ચૌધરીની આગેવાની હેઠળની ટીમોએ 10 મહિનાના સમયગાળા દરમિયાન NDPS એક્ટ હેઠળ કુલ 32 ગુના નોંધીને 57 આરોપીઓની અટકાયત કરી છે.
અધિકારીઓએ જપ્ત કરેલા જથ્થામાં સૌથી વધુ 15 કેસ ગાંજાના નોંધાયા છે, જેમાં 20 આરોપીઓ પાસેથી 301.869 કિલોગ્રામ ગાંજો કબજે લેવાયો છે. આ ઉપરાંત અફીણના 2 કેસમાં 3 આરોપીઓ પાસેથી 2.865 કિલોગ્રામ જથ્થો અને હાઇબ્રિડ ગાંજાના 2 કેસમાં 16 આરોપીઓ પાસેથી 1.125 કિલોગ્રામ જથ્થો પકડાયો છે.
સિન્થેટિક અને અન્ય કેમિકલ યુક્ત ડ્રગ્સ સામેની કાર્યવાહીમાં મેફેડ્રોનના 12 કેસ નોંધાયા છે, જેમાં 16 આરોપીઓ પાસેથી 596.290 ગ્રામ અને 510 મિલિગ્રામ જથ્થો જપ્ત કરાયો છે. સાથોસાથ પોસડોડાના એક કેસમાં 19.300 કિલોગ્રામ અને ચરસનો 68.03 ગ્રામ જથ્થો પણ પોલીસે કબજે કર્યો છે.
આ તમામ દરોડા અને કાર્યવાહીમાં કુલ રૂ. 2,25,67,662ની કિંમતનો માદક પદાર્થ જપ્ત કરવામાં આવ્યો છે. શહેરમાં ગેરકાયદે નશીલા પદાર્થોના દૂષણને સંપૂર્ણપણે નાબૂદ કરવા પોલીસે ઝીરો ટોલરન્સ નીતિ અપનાવી છે. પોલીસે નાગરિકોને નશાના કારોબાર અંગેની કોઈપણ માહિતી પોલીસને આપવા અપીલ કરી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt