
- ટેક્નોલોજીના માધ્યમથી ભારતીય સંસ્કૃતિ અને પરંપરાનું વૈશ્વિક સ્તરે સંવર્ધન
સોમનાથ, 09 નવેમ્બર (હિ.સ.) : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના પાવન સાનિધ્યમાં, અશ્વિન કૃષ્ણ અમાવસ્યા અને દીપાવલીના પવિત્ર અવસરે સોમનાથ ટ્રસ્ટ દ્વારા ડિજિટલ માધ્યમથી વિધિવત ગણેશ-લક્ષ્મી પૂજન, લેખની તેમજ રોજમેળ (ચોપડા) પૂજનનું વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું. આ આધુનિક પહેલ થકી દેશ-વિદેશમાં વસતા શ્રદ્ધાળુઓ પોતાના ઘરેથી જ પવિત્ર સોમનાથ તીર્થ સાથે આધ્યાત્મિક રીતે જોડાઈ શક્યા હતા.
સોમનાથ ટ્રસ્ટના આ ડિજિટલ ધાર્મિક આયોજનને દેશવ્યાપી પ્રતિસાદ મળ્યો હતો. ઓનલાઇન પૂજન માટે નોંધણી કરાવનારા શ્રદ્ધાળુઓમાં ભારતનાં ૨૧ રાજ્યો અને ૪ કેન્દ્રશાસિત પ્રદેશો ઉપરાંત અમેરિકાના વર્જિનિયા રાજ્યમાંથી પણ ભક્તોએ સહભાગિતા નોંધાવી હતી. આમ, કુલ ૨૬ ભૌગોલિક રાજ્યો, પ્રદેશો અને કેન્દ્રશાસિત વિસ્તારો સુધી સોમનાથની આ ધાર્મિક પહેલનો વ્યાપ પહોંચ્યો હતો.
ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, ઉત્તરપ્રદેશ, રાજસ્થાન, દિલ્હી, કર્ણાટક, કેરળ, તમિલનાડુ, પશ્ચિમ બંગાળ, જમ્મુ-કાશ્મીર, સહિત દેશના વિવિધ રાજ્યોમાંથી પરિવારો આ આયોજનમાં જોડાયા હતા. ખાસ કરીને રોજગાર, અભ્યાસ અને વ્યવસાય અર્થે મોટાં શહેરોમાં તથા પોતાના વતનથી દૂર વસતા પરિવારો માટે આ ઓનલાઇન પૂજન સોમનાથ મહાદેવ સાથે જોડાવાનો વિશેષ આધ્યાત્મિક અવસર બન્યું હતું. અમેરિકાના વર્જિનિયા રાજ્યમાંથી થયેલી સહભાગિતાએ આ આયોજનની આંતરરાષ્ટ્રીય પહોંચ પણ દર્શાવી હતી.
અધ્યાત્મ અને આધુનિક ટેક્નોલોજીનો સમન્વય:
સોમનાથ ટ્રસ્ટના અધ્યક્ષ અને ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના 'વસુધૈવ કુટુંબકમ્'ના વિઝન હેઠળ ટ્રસ્ટ છેલ્લા ચાર વર્ષથી ભક્તોને આધુનિક ડિજિટલ માધ્યમો દ્વારા ઉત્તમ ધાર્મિક અનુભૂતિ કરાવવા માટે કાર્યરત છે. આ વર્ષે પણ પૂર્વ નોંધણી કરાવનારા હજારો પરિવારોને સુચારુ વર્ચ્યુઅલ પ્લેટફોર્મ મારફતે જોડીને સોમનાથ મહાદેવના આશીર્વાદ સાથે સામૂહિક લક્ષ્મી પૂજન સંપન્ન કરાવવામાં આવ્યું હતું.
આ વર્ચ્યુઅલ પૂજન દરમિયાન સોમનાથના વિદ્વાન પંડિતો દ્વારા શાસ્ત્રોક્ત વિધિ અનુસાર યંત્ર, માં લક્ષ્મી, ગણેશ, લેખની, હળદર અને મગનું વિશેષ પૂજન સંપન્ન કરવામાં આવ્યું હતું. ઓનલાઇન જોડાયેલા યજમાનોના રોજમેળ (એકાઉન્ટ બુક)નું પણ વિધિવત પૂજન કરવામાં આવ્યું હતું.
આવનારું નવું વિક્રમ સંવત ૨૦૮૩ સર્વે ભક્તો માટે કલ્યાણકારી નીવડે, સૌના જીવનમાં સુખ, સમૃદ્ધિ અને સ્થિર લક્ષ્મીનો વાસ થાય તેવી સોમનાથ મહાદેવ સમક્ષ પ્રાર્થના કરવામાં આવી હતી.
પૂજન બાદ અભિમંત્રિત યંત્ર, રોજમેળ, રક્ષાસૂત્ર, પવિત્ર ભસ્મ અને રુદ્રાક્ષ સહિતની પ્રસાદી શ્રદ્ધાળુઓને તેમના નોંધાયેલા સરનામે ટપાલ અને કુરિયર મારફતે મોકલી આપવામાં આવશે.
આજના ગતિશીલ યુગમાં મોટા શહેરોની બહુમાળી ઇમારતોમાં તથા વતનથી દૂર વસતી યુવા પેઢી પોતાની પૌરાણિક ધરોહર અને ધાર્મિક પરંપરાઓ સાથે જીવંત સંપર્કમાં રહે તે હેતુથી આ ડિજિટલ વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. પરંપરાગત ધાર્મિક મૂલ્યોને આધુનિક ટેક્નોલોજી સાથે જોડીને સોમનાથ ટ્રસ્ટે ભારતીય સંસ્કૃતિને વૈશ્વિક સ્તરે પહોંચાડવાનો નવતર પ્રયાસ કર્યો છે.
દેશનાં ૨૧ રાજ્યો, ૪ કેન્દ્રશાસિત પ્રદેશો અને અમેરિકાના વર્જિનિયા રાજ્ય સુધી પહોંચેલી આ પહેલ દર્શાવે છે કે ટેક્નોલોજીના માધ્યમથી ભક્તિ, આસ્થા અને ભારતીય સંસ્કૃતિ ભૌગોલિક સીમાઓથી પર રહીને લોકોને એકસૂત્રે જોડી શકે છે.
ઓનલાઇન માધ્યમથી જોડાયેલા ભાવિકોએ સોમનાથ ટ્રસ્ટના આ ટેક્નોલોજી સંચાલિત અભિગમને આવકારી ટ્રસ્ટ પ્રત્યે હૃદયપૂર્વક આભારની લાગણી વ્યક્ત કરી હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ