
પોરબંદર , 09 નવેમ્બર (હિ.સ.) : રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને પરંપરાગત ખેતીની
સાથે આવકના નવા સ્ત્રોત ઊભા કરવા માટે વિવિધ બાગાયતલક્ષી યોજનાઓ અને સબસિડીનો લાભ
આપવામાં આવી રહ્યો છે. ત્યારે સરકારની આર્થિક સહાય, યોગ્ય તાલીમ અને માર્ગદર્શનનો લાભ લઈને
પોરબંદરના પ્રગતિશીલ ખેડૂત હસમુખભાઈ નથુભાઈ ચાવડાએ મધમાખી પાલનના વ્યવસાયમાં સફળતા
મેળવી છે. માત્ર 50 પેટીથી શરૂ કરેલો તેમનો વ્યવસાય આજે 200 થી વધુ મધમાખીના બોક્સ સુધી વિસ્તર્યો
છે.
હસમુખભાઈ ચાવડાએ જૂનાગઢ અને આણંદ કૃષિ
યુનિવર્સિટી તેમજ આત્મા (ATMA) પ્રોજેક્ટ અંતર્ગત મધમાખી પાલનની તાલીમ મેળવી હતી. ત્યારબાદ બાગાયત
વિભાગ દ્વારા મળતી 50 ટકા સબસિડીનો લાભ લઈને તેમણે 50 પેટીથી મધમાખી પાલનનો વ્યવસાય શરૂ
કર્યો હતો. સતત મહેનત, યોગ્ય માર્ગદર્શન અને સરકારી સહયોગના પરિણામે આજે તેઓ 200 થી વધુ પેટીઓ દ્વારા મધનું ઉત્પાદન કરી
રહ્યા છે.
તેઓ ‘જમીશમા હની’ બ્રાન્ડ અંતર્ગત વિવિધ
પ્રકારના મધનું ઉત્પાદન અને વેચાણ કરી રહ્યા છે. પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન આપવા
અને પોરબંદરને નિરોગી બનાવવાના ઉદ્દેશ્ય સાથે તેઓ પોતાના વ્યવસાયને આગળ વધારી
રહ્યા છે. સાથે જ અન્ય લોકોને પણ મધમાખી પાલનના વ્યવસાય સાથે જોડીને રોજગારી અને
સ્વરોજગારીની નવી તકો ઊભી કરી રહ્યા છે.
આ અંગે હસમુખભાઈ ચાવડાએ જણાવ્યું હતું કે, મધમાખી પાલનના વ્યવસાયમાં સફળતા
મેળવવામાં સરકારની યોજનાઓ, તાલીમ અને આર્થિક સહાયનો મહત્વપૂર્ણ ફાળો રહ્યો છે. બાગાયત વિભાગ, સી.ઈ.ડી. અને જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર
સહિત સરકારના વિવિધ વિભાગોના સહયોગ બદલ તેમણે હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.
ઉલ્લેખનીય છે કે, મધમાખી પાલન માત્ર મધના ઉત્પાદન પૂરતું
મર્યાદિત નથી, પરંતુ
ખેતીમાં પરાગનયનની પ્રક્રિયાને વેગ આપીને પાકના ઉત્પાદન અને ગુણવત્તામાં વધારો
કરવામાં પણ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. રાજ્ય સરકાર દ્વારા મધમાખી પાલન માટે જરૂરી
કીટ, તાલીમ
અને સબસિડી જેવી સહાય પૂરી પાડવામાં આવી રહી છે. જેના પરિણામે ખેડૂતો પરંપરાગત
ખેતીની સાથે મધમાખી પાલનને પૂરક વ્યવસાય તરીકે અપનાવી વધારાની આવક મેળવી રહ્યા છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya