સિદ્ધપુરમાં સમાજ-ટ્રસ્ટની કરોડોની મિલકત પચાવી પાડવા ખોટું સોગંદનામું બનાવ્યાનો આરોપ, ત્રણ સામે ગુનો નોંધાયો
પાટણ, 09 નવેમ્બર (હિ.સ.) : પાટણ જિલ્લાના સિદ્ધપુરમાં શિયા ઈમામી ઈસ્માઈલી મોમીન જમાત સમાજ અને ટ્રસ્ટની કરોડો રૂપિયાની મિલકત પચાવી પાડવાના ઇરાદે કોર્ટમાં ખોટું સોગંદનામું રજૂ કર્યાનો ગંભીર આરોપ સામે આવ્યો છે. આ મામલે કોર્ટના આદેશથી સિદ્ધપુર પોલીસ મથક
સિદ્ધપુરમાં સમાજ-ટ્રસ્ટની કરોડોની મિલકત પચાવી પાડવા ખોટું સોગંદનામું બનાવ્યાનો આરોપ, ત્રણ સામે ગુનો નોંધાયો


પાટણ, 09 નવેમ્બર (હિ.સ.) : પાટણ જિલ્લાના સિદ્ધપુરમાં શિયા ઈમામી ઈસ્માઈલી મોમીન જમાત સમાજ અને ટ્રસ્ટની કરોડો રૂપિયાની મિલકત પચાવી પાડવાના ઇરાદે કોર્ટમાં ખોટું સોગંદનામું રજૂ કર્યાનો ગંભીર આરોપ સામે આવ્યો છે. આ મામલે કોર્ટના આદેશથી સિદ્ધપુર પોલીસ મથકે ત્રણ વ્યક્તિઓ સામે છેતરપિંડી, વિશ્વાસઘાત અને ખોટા દસ્તાવેજો તૈયાર કરવા સહિતની કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. આ અંગે ધી એચ.એચ. આગાખાન ગોલ્ડન જ્યુબિલી ઈસ્માઈલિયા બોર્ડિંગ એન્ડ ઓર્ફનેજના પ્રમુખ તથા સમાજના કારોબારી સભ્ય ઝુલ્ફીકાર કાસમ મોમીને ફરિયાદ નોંધાવી છે.

ફરિયાદ મુજબ, સિદ્ધપુર આસપાસનાં 22 ગામોના સમાજે બાળકોના શિક્ષણ અને હોસ્ટેલના હેતુથી ફાળો એકત્ર કરી તા. 09/03/2007ના રોજ શકીના સુલતાનઅલી સુણસરા તથા તેમના કુટુંબીજનો પાસેથી સિદ્ધપુરની સર્વે નંબર 93/1, 94/1 અને સિટી સર્વે નંબર 314ની મિલકત રૂ. 2,51,00,000માં ખરીદી હતી. નાણાં ચૂકવી મિલકતનો કબજો પણ મેળવવામાં આવ્યો હતો. આ મિલકત અંગે પાટણ સિવિલ કોર્ટમાં સ્પેશિયલ દિવાની દાવા નંબર 06/2016 અને 19/2016માં સમાધાન થયા બાદ સમાજની તરફેણમાં હુકમનામું થયું હતું.

ફરિયાદમાં વધુમાં આક્ષેપ કરાયો છે કે મિલકતનો કેટલોક ભાગ અન્ય લોકોને વેચવામાં આવ્યો હતો, જેના પગલે મામલો હાઈકોર્ટ સુધી પહોંચ્યો હતો. આ દરમિયાન કુરબાનભાઈ વલીભાઈ મોમીન, શકીના સુલતાનઅલી સુણસરા અને અમદાવાદના અપૂર્વ શરદભાઈએ કથિત રીતે કાવતરું રચ્યું હતું. તા. 29/12/2016ના રોજ કોર્ટની કાર્યવાહી અને રેકર્ડથી વિરુદ્ધ ખોટું સોગંદનામું તૈયાર કરી અગાઉનો બાનાખત રદ થયો હોવાની ખોટી વિગતો દર્શાવવામાં આવી હોવાનો આરોપ છે.

આ ઉપરાંત અપૂર્વ શરદભાઈએ સોગંદનામાનો મુસદ્દો તૈયાર કરી કોર્ટ બહાર ખોટો પુરાવો ઊભો કરીને ટ્રસ્ટની મિલકત પચાવી પાડવાનો પ્રયાસ કર્યો હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. કોર્ટના આદેશના આધારે સિદ્ધપુર પોલીસે (1) કુરબાનભાઈ વલીભાઈ મોમીન, રહે. દહિસર, મુંબઈ, (2) શકીના સુલતાનઅલી સુણસરા, રહે. મઝગાવ, મુંબઈ અને (3) અપૂર્વ શરદભાઈ, રહે. નવરંગપુરા, અમદાવાદ સામે ગુનો નોંધ્યો છે.

પોલીસે ભારતીય ફોજદારી ધારા (IPC)ની કલમ 420, 406, 467, 468, 193, 195, 196, 114, 34 અને 120(B) હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. કરોડોની મિલકત સાથે જોડાયેલા આ પ્રકરણમાં કોર્ટના આદેશ બાદ પોલીસ કાર્યવાહી શરૂ થતાં સિદ્ધપુરમાં ચર્ચા જાગી છે. ઉલ્લેખનીય છે કે ફરિયાદમાં કરવામાં આવેલા આક્ષેપો અંગેની હકીકતો તપાસ દરમિયાન સ્પષ્ટ થશે.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande