

ડાકોર/અમદાવાદ,09 નવેમ્બર (હિ.સ.) ગુજરાતના ડાકોરમાં શ્રી રણછોડરાયજી મહારાજ મંદિરમાં અન્નકૂટ પરંપરા 250 વર્ષ જૂની ધાર્મિક વિધિ છે જ્યાં આસપાસના 80 થી વધુ ગામોના ભક્તો પ્રતીકાત્મક રીતે લગભગ 3,000 કિલો પવિત્ર ખાદ્ય પ્રસાદ લૂંટ (ચોરી) કરે છે. સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરમાં નૂતન વર્ષની ઉજવણી એક અદ્ભુત અને વિશિષ્ટ પ્રથા સાથે કરવામાં આવી હતી. સામાન્ય રીતે વિવિધ મંદિરોમાં અન્નકૂટ ધરાવીને ભક્તોમાં પ્રસાદ વહેંચવામાં આવે છે, પરંતુ ડાકોરમાં ભગવાન રાજા રણછોડરાય સમક્ષ ધરાવાયેલો 151 મણનો વિશાળ અન્નકૂટ લૂંટવાની વર્ષો જૂની પરંપરા આજે પણ અકબંધ જળવાઈ રહી છે.
ભક્તો આ પ્રસાદી પોતાના ઘરે લઈ જવાની સાથે રસ્તામાં મળતા સગા-સંબંધીઓ અને અન્ય શ્રદ્ધાળુઓને પણ વહેંચે છે.ભક્તો આ પ્રસાદી પોતાના ઘરે લઈ જવાની સાથે રસ્તામાં મળતા સગા-સંબંધીઓ અને અન્ય શ્રદ્ધાળુઓને પણ વહેંચે છે.
દિવાળીના બીજા દિવસે વહેલી સવારે ભગવાનની મંગળા આરતી બાદ તેમને કેસર સ્નાન કરાવી દિવ્ય શણગાર કરવામાં આવ્યા હતા. ત્યાર બાદ વિધિવત રીતે ગોવર્ધન પર્વતની પૂજા-અર્ચના કરવામાં આવી હતી.
બપોરના સમયે મુખ્ય મંદિર બંધ કરીને સેવકો દ્વારા ભગવાનની સન્મુખ બુંદી, ભાત, વિવિધ મીઠાઈઓ અને પરંપરાગત રાજભોગ સહિતનો 151 મણનો અન્નકૂટ પીરસવામાં આવ્યો હતો. મંદિર પ્રશાસન દ્વારા આજુબાજુના 80 જેટલા ગામના લોકોને આ પ્રસાદી લૂંટવા માટે અગાઉથી જ સત્તાવાર આમંત્રણ આપવામાં આવ્યું હતું.
ભોગ ધરાવ્યા બાદ જેવા મંદિરના નિજ દ્વાર ખોલવામાં આવ્યા, કે તરત જ ઉત્સુકતાથી રાહ જોઈ રહેલા ગ્રામજનો અન્નકૂટ પર તૂટી પડ્યા હતા અને પોતાનો હક સમજીને હોંશે હોંશે પ્રસાદી લૂંટી હતી. ભક્તો આ પ્રસાદી પોતાના ઘરે લઈ જવાની સાથે રસ્તામાં મળતા સગા-સંબંધીઓ અને અન્ય શ્રદ્ધાળુઓને પણ વહેંચે છે.
આ આખી પરંપરા દરમિયાન સમગ્ર ડાકોરધામ રાજા રણછોડરાયના જયઘોષથી ગુંજી ઉઠ્યું હતું અને વાતાવરણ ભક્તિમય બની ગયું હતું. આ અનોખા ઉત્સવના દર્શન અને પ્રસાદ પ્રાપ્ત કરવા માટે દૂર-દૂરથી લાખો ભક્તો ડાકોર ખાતે ઉમટી પડ્યા હતા.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ