આજે હવે અમદાવાદ, સુરત અને વડોદરાની બેંકને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી,બોમ્બ સ્કવોડ સહિતનો પોલીસ કાફલો ઘટનાસ્થળ પર
વડોદરા અને સુરતની BOB અને BOIને ધમકીભર્યો મેઈલ મળતા દોડધામ અમદાવાદ,09 નવેમ્બર (હિ.સ.) દિવાળીના તહેવારોના માહોલમાં ગુજરાતમાં 6 નવેમ્બરે હાઈકોર્ટ અને મુખ્યમંત્રી કાર્યાલય બોમ્બથી ઉડાવી દેવાની ધમકીભર્યો મેઈલ મળ્યા બાદ હવે અમદાવાદ, વડોદરા અને સુ
Today, there is a threat to blow up banks in Ahmedabad, Surat and Vadodara with bombs


- વડોદરા અને સુરતની BOB અને BOIને ધમકીભર્યો મેઈલ મળતા દોડધામ

અમદાવાદ,09 નવેમ્બર (હિ.સ.) દિવાળીના તહેવારોના માહોલમાં ગુજરાતમાં 6 નવેમ્બરે હાઈકોર્ટ અને મુખ્યમંત્રી કાર્યાલય બોમ્બથી ઉડાવી દેવાની ધમકીભર્યો મેઈલ મળ્યા બાદ હવે અમદાવાદ, વડોદરા અને સુરતની બેંકોને અને અમદાવાદ મેટ્રોને ઉડાવી દેવાનો મેઈલ મળ્યો છે.

સુરતની બેંક ઓફ બરોડાની અને વડોદરાની બેંક ઓફ ઈન્ડિયાની બ્રાંચને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીનો મેઈલ મળતા દોડધામ મચી છે. બંને શહેરોની બેંકો પર હાલ ડોગ સ્કવોડ સહિતનો પોલોસી કાફળ તપાસ માટે પહોંચ્યો છે.

સુરતના પોશ અને વ્યસ્ત ગણાતા ઘોડદોડ રોડ પર આવેલી બેંક ઓફ બરોડાની શાખાને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીભર્યો ઈમેલ મળતાં ભારે ચકચાર મચી ગઈ છે. દિવાળીના તહેવારો ટાણે જ આ પ્રકારની ગંભીર ધમકી મળતાં સુરત પોલીસ અને વહીવટી તંત્રમાં ભારે દોડધામ મચી ગઈ હતી અને તાત્કાલિક સુરક્ષા એજન્સીઓ હરકતમાં આવી ગઈ હતી.

મળતી માહિતી મુજબ, ઘોડદોડ રોડ સ્થિત બેંક ઓફ બરોડાના સત્તાવાર ઈમેલ એકાઉન્ટ પર એક અજાણ્યા શખ્સ દ્વારા બેંકને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપતો મેલ મોકલવામાં આવ્યો હતો. બેંકના સત્તાવાર મેઈલ પર આ પ્રકારનો મેસેજ જોતા જ બેંક સંચાલકો ચોંકી ઉઠ્યા હતા. બેંક દ્વારા સહેજ પણ વિલંબ કર્યા વિના તુરંત જ પોલીસને આ અંગેની જાણ કરવામાં આવી હતી.

સુરતની BOBની બ્રાંચ પર તપાસ માટે પહોંચેલો પોલીસ કાફલો.

માહિતી મળતાની સાથે જ સ્થાનિક પોલીસનો કાફલો, બોમ્બ સ્ક્વોડ, ડોગ સ્ક્વોડ અને ફાયર બ્રિગેડની ટીમ ત્વરિત ઘટના સ્થળે દોડી ગઈ હતી. સુરક્ષાના ભાગરૂપે પોલીસે તાત્કાલિક પગલાં લેતાં બેંકમાં હાજર તમામ સ્ટાફ અને કર્મચારીઓને સુરક્ષિત રીતે બહાર કાઢી લીધા હતા. આ પછી, બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડ દ્વારા બેંકના ખૂણે-ખૂણાની ઝીણવટભરી અને સઘન તપાસ હાથ ધરવામાં આવી હતી.

હાલમાં પોલીસે સમગ્ર બેંક પરિસરને કોર્ડન કરી લીધું છે અને આ ધમકીભર્યો ઈમેલ મોકલનાર અજાણ્યા શખ્સની ભાળ મેળવવા માટે સાયબર ક્રાઈમની મદદથી તપાસ તેજ કરી છે. ઈમેલનું આઈપી એડ્રેસ ટ્રેસ કરીને આરોપીને વહેલી તકે ઝડપી પાડવા માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.

વડોદરાની બે બેંકોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, પોલીસ તંત્ર દોડતું થયું

વડોદરા શહેરમાં તહેવારોની ઉજવણી બાદ ફરી એકવાર સુરક્ષા એજન્સીઓ અને પોલીસ તંત્રમાં દોડધામ મચી ગઈ છે. શહેરની બે અલગ-અલગ બેંકોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીભર્યા ઈમેઇલ મળતાં ભારે ચકચાર જાગી છે. રાવપુરા રોડ પર આવેલી બેંક ઓફ ઈન્ડિયા અને સયાજીગંજ વિસ્તારમાં સૂરજ પ્લાઝા બિલ્ડિંગમાં આવેલી બેંક ઓફ બરોડાને નિશાન બનાવી ધમકી આપવામાં આવી હતી. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસ સહિત ઉચ્ચ પોલીસ અધિકારીઓનો કાફલો બંને સ્થળે દોડી આવ્યો હતો.

મળતી માહિતી મુજબ, રાવપુરા રોડ પર આવેલી બેંક ઓફ ઈન્ડિયાની શાખાને અજાણ્યા શખ્સ દ્વારા બોમ્બથી ઉડાવી દેવાની ધમકીભર્યો ઈમેઇલ મોકલવામાં આવ્યો હતો. તહેવાર બાદ આ પ્રકારનો ઈમેઇલ મળતાં બેંકના કર્મચારીઓ અને અધિકારીઓમાં ફફડાટ ફેલાયો હતો. સુરક્ષાને ધ્યાનમાં રાખીને બેંકમાં ગ્રાહકોની અવરજવર બંધ કરાવી પોલીસને જાણ કરવામાં આવી હતી.

બીજી તરફ, શહેરના વ્યસ્ત સયાજીગંજ વિસ્તારમાં સૂરજ પ્લાઝા બિલ્ડિંગમાં આવેલી બેંક ઓફ બરોડાની શાખાને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી. બેંકના મેનેજર એસ.કે. ત્યાગીના જણાવ્યા અનુસાર, બેંકના Gmail આઈડી પર અજાણ્યા શખ્સે ધમકીભર્યો ઈમેઇલ મોકલી બેંક સંકુલને બોમ્બથી ઉડાવી દેવાની ચેતવણી આપી હતી. આ અંગે તાત્કાલિક સયાજીગંજ પોલીસ સ્ટેશન અને ઉચ્ચ પોલીસ અધિકારીઓને જાણ કરવામાં આવી હતી.

વડોદરાના રાવપુરામાં આવેલી બેંક ઓફ ઈન્ડિયાની બ્રાંચ.

પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને બોમ્બ ડિસ્પોઝલ સ્કવોડ (BDS) અને ડોગ સ્કવોડની ટીમોને પણ તપાસમાં જોડવામાં આવી હતી. બંને બેંકોના પરિસર, રૂમ, માળ અને આસપાસના વિસ્તારોમાં શંકાસ્પદ વસ્તુઓની ઝીણવટભરી તપાસ હાથ ધરવામાં આવી હતી.

ઉલ્લેખનીય છે કે, અગાઉ પણ વડોદરા શહેરની શાળાઓ, અદાલતો અને જેલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીઓ મળી ચૂકી છે. હવે શહેરની બે બેંકોને એકસાથે નિશાન બનાવવામાં આવતાં સુરક્ષા વ્યવસ્થાને લઈને ચિંતા ઊભી થઈ છે. હાલ ધમકીભર્યા ઈમેઇલના આધારે સાયબર ક્રાઈમની મદદથી ઈમેઇલ મોકલનાર શખ્સની ઓળખ અને તેનું લોકેશન શોધવાની દિશામાં તપાસ હાથ ધરવામાં આવી છે.ડીસીપી ઝોન 1 ડૉ. જે.એમ.ચાવડાએ જણાવ્યું હતું કે, આજરોજ વડોદરા શહેર કંટ્રોલ રૂમને બેંક ઓફ બરોડાના અધિકૃત વ્યક્તિ દ્વારા બોમ્બ થ્રેટ મેઇલ મળ્યા અંગેની જાણ કરવામાં આવી હતી. આ માહિતી મળતા જ વડોદરા કંટ્રોલ દ્વારા તાત્કાલિક લોકલ પોલીસને જાણ કરવામાં આવી હતી. જેના ભાગરૂપે સયાજીગંજ પોલીસ સ્ટેશન અંતર્ગત સૂરજ પ્લાઝા બિલ્ડિંગમાં આવેલા બેંક ઓફ બરોડાના ફ્લોર પર લોકલ પોલીસ, બી.ડી.ડી.એસ. અને એસ.ઓ.જી.ની ટીમ દ્વારા અલગ-અલગ એંગલથી સઘન તપાસ હાથ ધરવામાં આવી છે.

આ મેઇલ 'સીરા કોન્તે' (Sira Conte) નામના વ્યક્તિ તરફથી conte734@gmail.com આઈડીથી મોકલવામાં આવ્યો છે. આ મામલે પ્રાથમિક તપાસમાં એવું પણ જાણવા મળ્યું છે કે વડોદરા શહેરના અન્ય લોકેશન પર આવેલી અન્ય બેંકોમાં પણ આ પ્રકારનો મેઇલ આવ્યો છે. તકેદારીના ભાગરૂપે સ્થાનિક પોલીસ, બી.ડી.ડી.એસ. અને એસ.ઓ.જી.ની અલગ-અલગ ટીમો બનાવીને બેંકોમાં સર્ચિંગની કાર્યવાહી ચાલુ છે.

આ મેઇલનો અભ્યાસ કરતા તેમાં આગામી તારીખોનો ઉલ્લેખ જોવા મળ્યો છે, જેમાં 21 નવેમ્બરે મોદી સ્ટેડિયમ અને 27 તારીખે અમિતાભ બચ્ચનના બંગલા 'જલસા' ખાતે બોમ્બ વિસ્ફોટ કરવા અંગેની ધમકીભર્યા કન્ટેન્ટ લખેલા છે. આ સિવાય મેઇલમાં 'ખાલિસ્તાન નેશનલ આર્મી' અને 'બબ્બર ખાલસા' ના ઉલ્લેખ પણ જોવા મળ્યા છે. આ તમામ બાબતોને ગંભીરતાથી ધ્યાનમાં રાખીને, વિવિધ ટીમો દ્વારા ચકાસણી પૂર્ણ થયા બાદ સાઇબર ક્રાઈમ અંતર્ગત ગુનો નોંધીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

બેંક ઓફ બરોડા ઉપરાંત વડોદરાની અન્ય બેંકોમાં પણ આ પ્રકારની ધમકી મળી છે, જેમાં બેંક ઓફ ઇન્ડિયાની બ્રાન્ચમાં પણ મેઇલ આવ્યો હોવાની પ્રાથમિક વિગતો કંટ્રોલ મારફતે મળી છે. અંદાજિત માહિતી મુજબ રાવપુરા અને ગોરવા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલી બેંક ઓફ ઇન્ડિયાની શાખાઓમાં પણ આ પ્રકારનો થ્રેટ મળ્યો હોવાના પ્રાથમિક અહેવાલ છે.

ત્રણ દિવસ પહેલા પણ ગુજરાત હાઈકોર્ટ અને મુખ્યમંત્રી કાર્યાલયને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીભર્યો મેઈલ મળતા ભારે દોડધામ મચી હતી. જો કે, તપાસના અંતે કંઈ ન મળતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો. નોંધનીય છે કે, આ પહેલા ગુજરાતમાં છેલ્લા 11 મહિનામાં આ રીતે અલગ અલગ 10 જેટલા ધમકીભર્યા ઈમેઈલ મળી ચૂક્યા છે.

હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ


 rajesh pande