
સુરત, 22 ફેબ્રુઆરી (હિ.સ.)-સુરત મહાનગરપાલિકા દ્વારા વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના મેદાનમાં આયોજિત ‘સ્વામી વિવેકાનંદ રાષ્ટ્રીય પુસ્તક મેળો’, હોર્ટિકલ્ચર મેળો-ફ્લાવર શો, શિલ્પગ્રામ મેળો અને ફૂડ ફેસ્ટિવલનો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલની ઉપસ્થિતિમાં ઉદ્ઘાટન કર્યો હતો. આ મેળો આગામી 1 માર્ચ સુધી ચાલુ રહેશે, જેમાં સુરતવાસીઓને સાહિત્ય, બાગાયત અને હસ્તકલાનો અનોખો અનુભવ મળશે.
ઉદ્ઘાટન બાદ મુખ્યમંત્રીએ વિવિધ સ્ટોલ્સની મુલાકાત લીધી હતી. ખાસ કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા લખાયેલા પુસ્તકો તેમજ તેમના જીવન અને સુશાસન પર આધારિત સાહિત્યને સમાવતા ‘થીમ પેવેલિયન’ “વિઝનરીઝ વોલ્ટ: વર્ડ્સ ધેટ બિલ્ડ નેશન”નું નિરીક્ષણ કર્યું હતું અને રજૂ થયેલ પુસ્તકોમાં રસ દાખવ્યો હતો.
આ ઉપરાંત મુખ્યમંત્રીએ સેમિનાર હોલમાં મહાનુભાવો અને નાગરિકો સાથે વડાપ્રધાનના લોકપ્રિય રેડિયો કાર્યક્રમ ‘મન કી બાત’ની 133મી કડીનું જીવંત પ્રસારણ પણ નિહાળ્યું હતું.
કાર્યક્રમમાં મેયર દક્ષેશ માવાણી, ધારાસભ્યો મનુભાઈ પટેલ, સંદીપભાઈ દેસાઈ, અરવિંદભાઈ રાણા, કિશોરભાઈ કાનાણી, સંગીતાબેન પાટીલ, જિલ્લા કલેક્ટર ડો. સૌરભ પારધી, મ્યુનિસિપલ કમિશનર એમ. નાગરાજન, ડેપ્યુટી મેયર ડો. નરેન્દ્ર પાટીલ, સ્થાયી ચેરમેન રાજન પટેલ, શાસક પક્ષના નેતા શશીબેન ત્રિપાઠી, શહેર સંગઠન પ્રમુખ પરેશ પટેલ સહિત અનેક પદાધિકારીઓ, કોર્પોરેટરો અને પુસ્તકપ્રેમીઓ હાજર રહ્યા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે