
ભાવનગર, 25 ફેબ્રુઆરી (હિ.સ.) ભાવનગર શહેરમાં ફરી એક વખત માર્ગ અકસ્માતની કરુણ ઘટના સામે આવી છે. ભાવનગરના વરતેજ વિસ્તારમાં જીઈબી ઓફિસ સામે હાઈવે રોડ પર સાયકલ ચાલકને કારચાલકે પાછળથી ટક્કર મારતા તેનું મોત નીપજ્યું હતું. ઘટનાને પગલે વિસ્તારમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે.
મળતી માહિતી મુજબ વરતેજના આંબાવાડી વિસ્તારમાં રહેતા સંતોષકુમાર દાહિયા સાયકલ પર પોતાના કામ પરથી પરત ફરી રહ્યા હતા. તેઓ જીઈબી ઓફિસ સામે હાઈવે રોડ ક્રોસ કરી રહ્યા હતા ત્યારે પાછળથી આવી રહેલી સ્વીફ્ટ કારના ચાલકે બેદરકારીપૂર્વક વાહન હંકારતાં સાયકલને જોરદાર ટક્કર મારી હતી. ટક્કર એટલી જોરદાર હતી કે સંતોષકુમાર રોડ પર પટકાઈ ગયા અને ગંભીર ઇજાઓ પહોંચી હતી.આસપાસના લોકોએ તાત્કાલિક એમ્બ્યુલન્સની મદદથી તેમને હોસ્પિટલ ખાતે ખસેડ્યા હતા. જોકે તબીબોએ તપાસ બાદ તેમને મૃત જાહેર કર્યા હતા. અચાનક બનેલી આ ઘટનાથી પરિવારજનો પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે.
પ્રાથમિક તપાસ મુજબ અકસ્માત બેદરકારીપૂર્વક વાહન ચલાવવાના કારણે સર્જાયો હોવાનો અનુમાન છે. પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.સ્થાનિક લોકો દ્વારા હાઈવે પર વધતી અકસ્માતોની ઘટનાઓને લઈને ચિંતા વ્યક્ત કરવામાં આવી છે અને સ્પીડ કંટ્રોલ માટે કડક પગલાં લેવા માંગ ઉઠી છે.
હિન્દુસ્થાન સમાચાર / GONDALIYA DISHANT