
જૂનાગઢ, 27 ફેબ્રુઆરી (હિ.સ.) : જૂનાગઢ જિલ્લામાં કિશોરીઓના સર્વાંગી ઉત્થાન, સામાજિક નેતૃત્વ અને સ્થાનિક સ્વરાજ્યની પ્રક્રિયામાં તેમની સક્રિય ભાગીદારી સુનિશ્ચિત કરવાના ઉમદા આશય સાથે જૂનાગઢ જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્રારા એક વિશેષ પહેલ કરવામાં આવી છે. 'બેટી બચાવો, બેટી પઢાવો' યોજના અંતર્ગત, પ્રાદેશિક તાલીમ કેન્દ્ર શશીકુંજ જૂનાગઢ ખાતે ‘બાલિકા પંચાયત’ વિષય પર ત્રણ દિવસીય માસ્ટર ટ્રેનર્સ તાલીમ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.
જિલ્લા મહિલા અને બાળ અધિકારી ચેતન સોજીત્રા દ્રારા પ્રત્યક્ષ માર્ગદર્શન હેઠળ આયોજિત આ શિબિરમાં જિલ્લાના ૫૬ જેટલા આઈ.સી.ડી.એસ વિભાગના મુખ્ય સેવિકાઓ અને મિશન મંગલમ શાખાના કલસ્ટર કોર્ડિનેટર્સે માસ્ટર ટ્રેનર તરીકે સઘન તાલીમ મેળવી હતી.
તાલીમ દરમિયાન કુલ ૧૫ જેટલા મહત્વના વિષયો પર સત્રો યોજવામાં આવ્યા હતા, જેમાં બાલિકા પંચાયતનો પરિચય, બાળ અધિકારો, જેન્ડર આધારિત ભેદભાવોની નાબૂદી, બાળ સુરક્ષાના કાયદાઓ, જીવન કૌશલ્યો અને ડિજિટલ સલામતી જેવા મુદ્દાઓ પર ગહન ચર્ચાઓ કરવામાં આવી હતી. નિષ્ણાંત પ્રશિક્ષકો ખીમાભાઈ ચેતરીયા, કૃપાબેન ખુંટ, રમેશ ભરડા, મીનાક્ષીબેન ડેર, ક્રિષ્નાબેન વાણવી, કરડાણી નલીનીબેન તેમજ મિતલબેન દ્રારા કિશોરીઓના આત્મવિશ્વાસમાં વધારો કરવા માટે જીવન કૌશલ્ય (Life Skills) અને નેતૃત્વના ગુણો વિકસાવવા પર ભાર મૂકવામાં આવ્યો હતો.
મનોરંજક પ્રવૃત્તિઓ અને ચાર્ટ પેપર દ્રારા પ્રેઝન્ટેશન કરાવીને તાલીમાર્થીઓને કિશોરાવસ્થાના જટિલ પ્રશ્નો અને સામાજિક પૂર્વગ્રહો સામે લડવાની પ્રાયોગિક તાલીમ આપવામાં આવી હતી. આ ઉપરાંત, 'વહાલી દીકરી' અને 'વિદ્યાલક્ષ્મી બોન્ડ' ગંગા સ્વરૂપા આર્થિક સહાય, સ્વાવલંબન યોજના જેવી સરકારી યોજનાઓની માહિતી છેવાડાની કિશોરીઓ અને મહિલાઓ સુધી કેવી રીતે પહોચે તે અંગે પણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આમ, બાલિકા પંચાયત દ્વારા દીકરીઓનો જન્મ દર વધે, શિક્ષણ અને સુરક્ષા અંગે,ડ્રોપ આઉટ દર ઘટે અને કૌશલ્ય વર્ધન જેવા કામો કરવાના રહેશે.
આ કાર્યક્રમમાં જિલ્લા મહિલા અને બાળ અધિકારી ચેતન સોજીત્રા, જિલ્લા પ્રોગ્રામ ઓફિસર વત્સલાબેન દવે અને દહેજ પ્રતિબંધક સહ રક્ષણ અધિકારી બી.ડી.ભાડે ઉપસ્થિત રહી તાલીમાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા.
તાલીમના અંતિમ તબક્કામાં તમામ માસ્ટર ટ્રેનર્સે પોતાના ક્લસ્ટર વિસ્તાર માટે ફિલ્ડ લેવલનું માઈક્રો પ્લાનિંગ રજૂ કર્યું હતું. આ પ્રશિક્ષિત અધિકારીઓ હવે ગ્રામ્ય સ્તરે બાલિકા પંચાયતનું મોડેલ કાર્યરત કરશે. જેથી ગ્રામીણ કિશોરીઓ પોતાના પ્રશ્નો માટે અવાજ ઉઠાવી શકે અને પંચાયતી રાજની પ્રક્રિયામાં સામેલ થઈ શકે. આ તાલીમ શિબિરના સફળ આયોજનથી જૂનાગઢ જિલ્લો ભવિષ્યમાં મહિલા નેતૃત્વ અને સશક્તિકરણના ક્ષેત્રમાં એક આદર્શ ઉદાહરણ પૂરું પાડશે તેવી દ્રઢ આશા અધિકારીઓએ વ્યક્ત કરી હતી.. સમગ્ર કાર્યક્રમનું સંચાલન અને અમલીકરણ જિલ્લા મહિલા અને બાળ અધિકારીની ટીમ દ્રારા કરવામાં આવ્યું હતું. તેમ જિલ્લા મહિલા અને બાળ અધિકારી એ જણાવ્યું હતું.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ