
- પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચવા લોકલ બસ પાસ થી એક્સપ્રેસ રૂટમાં પણ મુસાફરી કરી શકશે વિદ્યાર્થીઓ
ગીર સોમનાથ, 27 ફેબ્રુઆરી (હિ.સ.) : ગીર સોમનાથ જિલ્લામાં ધોરણ ૧૦ અને ૧૨ની પરીક્ષાઓ શાંતિપૂર્વક વાતાવરણમાં શરૂ થઈ છે. આ પરીક્ષાઓ માટે વહીવટી તંત્ર દ્વારા તમામ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. જેથી વિદ્યાર્થીઓને પરીક્ષા સમયે કોઈ અગવડતાઓ ન પડે. એસ.ટી. વિભાગ દ્વારા પણ વધુ ટ્રિપનું સંચાલન કરી અને પરીક્ષાર્થીઓને પરીક્ષા કેન્દ્રો સુધી પહોંચવામાં મુશ્કેલી ન પડે તે સુનિશ્ચિત કરાયું છે.
એસ.ટી.ડેપો મેનેજર દિલિપ શામળાના જણાવ્યા અનુસાર વેરાવળ એસ.ટી. ડેપો દ્વારા વધારાની ટ્રિપનું સંચાલન કરી પરીક્ષાર્થીઓને પરીક્ષા કેન્દ્રો સુધી આવવા-જવા માટે વધારાની વ્યવસ્થા કરવામાં આવી છે.
શાળાઓની રજૂઆત અન્વયે ગામથી પરીક્ષા સ્થળના ગામ સુધી પરીક્ષાના સમય પહેલા પહોંચી શકાય અને પરીક્ષા પૂર્ણ થયે પરત ફરી શકાય એ રીતે સવાર અને બપોર દરમિયાન વધારાની સગવડ કરવામાં આવી છે.
આ સાથે જ અન્ય તમામ વિધાર્થી ટ્રીપનું નિયમિત સંચાલન કરવામાં આવે છે તેમજ તમામ રૂટની બસોમાં વિધાર્થી પાસે લોકલ બસના પાસ પણ એક્સપ્રેસ રૂટની બસમાં ચલાવવા સૂચના આપવામાં આવી છે. જેથી પરીક્ષાર્થીઓ સમયસર પરીક્ષા કેન્દ્રો પર પહોંચી શકે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ