
જામનગર, 25 ફેબ્રુઆરી (હિ.સ.) :
જામનગર પીજીવીસીએલ વર્તુળ કચેરી દ્વારા જામનગર અને દ્વારકા જિલ્લામાં આજે તા.25મી ફેબ્રુઆરીના રોજ બાકી રોકાતા વીજ બિલ ધરાવતા ગ્રાહકો વિરુદ્ધ મેગા ડીસ કનેક્શન ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું છે. અગાઉથી તમામ વિજ ગ્રાહકોને બાકી બિલ ભરપાઈ કરવા માટે સૂચના આપવામાં આવી હતી.
ત્યારબાદ આજે જેમના નાણા બાકી હોય તે માટેની મેગા ડ્રાઈવ યોજવામાં આવી છે, અને તેના માટે બંને જિલ્લામાં કુલ 378 ટુકડીને ઉતારવામાં આવી છે, અને આઠ કરોડ આઠ લાખથી વધુ ની રિકવરી કરવાની બાકી રહી છે.
મળતી માહિતી અનુસાર જામનગર જિલ્લામાં કુલ 7,419 વીજ જોડાણોમાં રૂ.596.72 લાખની બાકી લેણી છે, જ્યારે દ્વારકા જિલ્લામાં 3,213 વીજ જોડાણોમાં રૂ.211.97 લાખની બાકી લેણી નોંધાઈ છે. આ રીતે બંને જિલ્લામાં મળી કુલ 10,632 વીજ જોડાણોમાં રૂ.808.29 લાખની રકમ બાકી છે.
આ મેગા ડ્રાઈવ અંતર્ગત બંને જિલ્લાના તમામ વિભાગીય અને પેટા વિભાગીય કચેરીઓના સ્ટાફ દ્વારા મહત્તમ સંખ્યામાં ટીમો ઉતારીને વીજ જોડાણ કાપવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. નોંધનીય છે કે આ ડીસ કનેક્શન ડ્રાઈવમાં ફક્ત વીજ જોડાણ કાપવાની જ કાર્યવાહી કરવામાં આવશે, રિકવરી કરવાની નથી.
જામનગર જિલ્લા માટે 267 ટીમો જ્યારે દેવભૂમિ દ્વારકા જિલ્લા માટે 111 ટીમો ફાળવવામાં આવેલી છે. પીજીવીસીએલ દ્વારા આજે દરેક ટીમો પોતાના વિસ્તારમાં બાકીદારો સામે કડક પગલાં લઈ વીજ જોડાણ કાપવામાં મહત્તમ પ્રયત્ન કરશે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt