
સુરત, 25 ફેબ્રુઆરી (હિ.સ.) પશ્ચિમ બંગાળ ભાજપના પ્રદેશ અધ્યક્ષ સમિક ભટ્ટાચાર્યે સુરતમાં પ્રવાસી બંગાળીઓ સાથે મુલાકાત કર્યા બાદ ભાજપ કાર્યાલય ખાતે પત્રકારો સાથે વાતચીતમાં દાવો કર્યો કે દેશભરમાં રહેતા બંગાળી લોકો હવે પશ્ચિમ બંગાળમાં સરકાર બદલવાના મૂડમાં છે.
તેમણે જણાવ્યું કે એક સમય એવો હતો જ્યારે પશ્ચિમ બંગાળ દેશને દિશા આપતું રાજ્ય હતું, પરંતુ પહેલા કોમ્યુનિસ્ટ શાસન અને હાલની તૃણમૂલ કોંગ્રેસ સરકારના કારણે પરિસ્થિતિ બગડી ગઈ છે. પહેલાં રાજ્યનું વેપારિક સ્પર્ધા મહારાષ્ટ્ર સાથે થતું હતું, પરંતુ આજે સ્થિતિ ઘણીએ બદલી ગઈ છે.
ભટ્ટાચાર્યે આક્ષેપ કર્યો કે રાજ્યમાં અનેક સરકારી શાળાઓ બંધ થઈ રહી છે, રોકાણ બહાર જઈ રહ્યું છે અને બંગાળ છોડીને બહાર ગયેલા લોકો આર્થિક રીતે મજબૂત બન્યા છે, જ્યારે રાજ્યમાં રહેનાર લોકોની સ્થિતિ નબળી થઈ રહી છે.
કાયદો અને વ્યવસ્થા મુદ્દે તેમણે કહ્યું કે 2016 બાદથી ચૂંટણી પહેલા, દરમિયાન અને બાદમાં હિંસા સામાન્ય બની ગઈ છે. તેમણે દાવો કર્યો કે ભાજપના 300થી વધુ કાર્યકરોના જીવ ગયા છે. 2021ની ચૂંટણીના પરિણામ બાદ માત્ર 27 દિવસમાં 56 કાર્યકરોની હત્યા થઈ હોવાનું પણ તેમણે જણાવ્યું.
તેમણે કહ્યું કે તાજેતરમાં ભાજપના કાર્યકરોની 36 મોટરસાયકલોને આગ ચાંપી દેવામાં આવી અને કાર્યકરો પર હુમલા થયા છે.
ભટ્ટાચાર્યે તૃણમૂલ સરકાર પર નિશાન સાધતા જણાવ્યું કે રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા સંપૂર્ણ રીતે નિષ્ફળ રહી છે, ભ્રષ્ટાચાર વધ્યો છે અને રોકાણ સતત બહાર જઈ રહ્યું છે. તેમણે જણાવ્યું કે પશ્ચિમ બંગાળની જનતા હવે આ પરિસ્થિતિમાંથી મુક્તિ ઇચ્છે છે.
કૉંગ્રેસ અંગે તેમણે જણાવ્યું કે કૉંગ્રેસ હંમેશા સમજૂતીની રાજનીતિ કરતી આવી છે અને હાલ તૃણમૂલ સાથે મળીને પરિસ્થિતિને વધુ ખરાબ બનાવી રહી છે.
તેમણે વધુમાં આક્ષેપ કર્યો કે રાજ્યમાં ઘૂસણખોરી અને વોટબેંકની રાજનીતિ ચાલી રહી છે, પરંતુ હવે જનતા બધું સમજી ગઈ છે અને આવનારી ચૂંટણીમાં બદલાવ નિશ્ચિત છે.
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે