
પાટણ, 25 ફેબ્રુઆરી (હિ.સ.) : પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના કુંતાસરી ગામ નજીકથી પસાર થતી નર્મદા વિભાગની બ્રાન્ચ કેનાલમાંથી સિંચાઈના પાણીની ચોરી થતી હોવાનો મામલો સામે આવ્યો છે. રાધનપુરથી જવાહરનગર ગામને જોડતા નવા માર્ગના નિર્માણ માટે એક કોન્ટ્રાક્ટર દ્વારા આ પાણીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો હોવાનું જાણવા મળ્યું છે.
માહિતી અનુસાર, કોન્ટ્રાક્ટરે નર્મદા વિભાગની કોઈપણ મંજૂરી લીધા વિના સરકારી સિંચાઈના પાણીનો ઉપયોગ કર્યો છે. માર્ગ નિર્માણ માટે પાણીની વ્યવસ્થા કરવાની જવાબદારી કોન્ટ્રાક્ટરની હોવા છતાં, કેનાલનું પાણી વપરાતા ખેડૂતોને અછતનો સામનો કરવો પડી શકે છે.
નર્મદા વિભાગ ખેડૂતોના હિતમાં 24 કલાક સિંચાઈનું પાણી છોડે છે, છતાં આ પ્રકારની પાણીચોરી સામે હજુ સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. હવે વિભાગ આ મામલે શું પગલાં ભરે છે તે જોવું રહ્યું.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ