

પાટણ, 25 ફેબ્રુઆરી (હિ.સ.)પીએમશ્રી ચંદ્રુમાણા પ્રાથમિક શાળાના ધોરણ ૮ના વિદ્યાર્થીઓએ ગુજરાત વિધાનસભા ખાતે એક દિવસીય શૈક્ષણિક મુલાકાત લીધી હતી. શાળાના આચાર્ય ગણેશભાઈ ડોડીયાના માર્ગદર્શન હેઠળ યોજાયેલી આ મુલાકાતનો હેતુ વિદ્યાર્થીઓને રાજ્યની સર્વોચ્ચ લોકશાહી સંસ્થા અને તેની કાર્યપદ્ધતિથી પરિચિત કરાવવાનો હતો. પાટણના ધારાસભ્ય કિરીટભાઈ પટેલના સહયોગથી વિદ્યાર્થીઓને વિધાનસભા સંકુલમાં પ્રવેશ અને જરૂરી માર્ગદર્શન મળ્યું હતું.
મુલાકાત દરમિયાન વિદ્યાર્થીઓ પ્રેક્ષક ગેલેરીમાં બેસીને ગૃહની જીવંત કાર્યવાહી નિહાળી હતી. પ્રશ્નોત્તરી કાળમાં ધારાસભ્યો દ્વારા પ્રજાના પ્રશ્નોની રજૂઆત, અધ્યક્ષ દ્વારા ગૃહનું સંચાલન અને શિસ્તનું પાલન તેમણે પ્રત્યક્ષ જોયું. પાઠ્યપુસ્તકમાં ભણાતા ‘ધારાસભા’ અને ‘કારોબારી’ જેવા વિષયોનો તેમને જીવંત અનુભવ મળ્યો હતો.
આ ઉપરાંત વિદ્યાર્થીઓએ મહાત્મા મંદિર તેમજ ગાંધીનગરના અન્ય મહત્વપૂર્ણ સ્થળોની મુલાકાત લીધી હતી. આ શૈક્ષણિક પ્રવાસથી વિદ્યાર્થીઓને ગુજરાત વિધાનસભા અને અન્ય રાજ્યોની વિધાન પરિષદની રચના, કાર્યપ્રણાલી અને તફાવત વિશે ઉપયોગી જાણકારી મળી હતી.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ