
બોટાદ, 25 ફેબ્રુઆરી (હિ.સ.)બોટાદ શહેરમાં સમાજસેવાનો એક સરાહનીય અને પ્રેરણાદાયી પ્રયાસ જોવા મળ્યો છે. શ્રી વી એમ સાકરીયા મહિલા કોલેજની વિદ્યાર્થિનીઓએ જાયન્ટ્સ ગ્રુપ ઓફ બોટાદ સાથે સંકલન કરીને બોટાદના મુક્તિધામ ખાતે સ્વચ્છતા અભિયાન હાથ ધર્યું હતું. આ અનોખા સેવા યજ્ઞ દ્વારા યુવતીઓએ સમાજ પ્રત્યેની પોતાની જવાબદારીનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે.
કોલેજના ઇન્ટરશીપ ગ્રુપ અને શેરથલી ગ્રુપની વિદ્યાર્થિનીઓએ ઉત્સાહભેર આ અભિયાનમાં ભાગ લીધો હતો. બોટાદ શહેરના નવનાળા પાસે આવેલ મુક્તિધામ પરિસરમાં સફાઈ કામગીરી હાથ ધરવામાં આવી હતી. વિદ્યાર્થિનીઓએ પરિસરમાં ફેલાયેલ કચરો એકત્રિત કર્યો, ઝાડૂ મારી સફાઈ કરી અને પર્યાવરણને સ્વચ્છ અને સુંદર બનાવવાનો સંદેશ આપ્યો.આ અભિયાનનો મુખ્ય હેતુ માત્ર સફાઈ સુધી સીમિત નહોતો, પરંતુ સમાજમાં સ્વચ્છતા પ્રત્યે જાગૃતિ ફેલાવવાનો પણ હતો. યુવતીઓએ બતાવ્યું કે શિક્ષણ સાથે સાથે સામાજિક જવાબદારી નિભાવવી પણ એટલી જ જરૂરી છે.
જાયન્ટ્સ ગ્રુપના સભ્યો અને કોલેજના માર્ગદર્શકો દ્વારા વિદ્યાર્થિનીઓને પ્રોત્સાહન આપવામાં આવ્યું હતું. ઉપસ્થિત આગેવાનો દ્વારા જણાવાયું હતું કે, આવા કાર્યક્રમો યુવાપેઢીમાં સેવા, સંસ્કાર અને સામાજિક જાગૃતિ વિકસાવવા મદદરૂપ બને છે.આ પ્રેરણાદાયી કાર્યથી બોટાદ શહેરમાં સ્વચ્છતા અને સામાજિક સહભાગિતાનો સકારાત્મક સંદેશ પ્રસરી રહ્યો છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / GONDALIYA DISHANT