
ભાવનગર ,5 ફેબ્રુઆરી (હિ.સ.) મહુવા ખાતે મહુવા નગર પાલિકા દ્વારા સ્વદેશી ઉત્પાદનોને પ્રોત્સાહન આપવા ભવ્ય સ્વદેશી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. સ્થાનિક હસ્તકલા, કૂટિર ઉદ્યોગ, મહિલા સ્વસહાય જૂથો તથા નાના વેપારીઓને એક જ પ્લેટફોર્મ પર પોતાની બનાવટના ઉત્પાદનો પ્રદર્શિત અને વેચાણ કરવાની સુવિધા મળે તે હેતુસર આ મેળો યોજાયો છે.
મેળાને નગરજનોનો ઉત્સાહભર્યો પ્રતિસાદ મળી રહ્યો છે.મેળામાં વિવિધ પ્રકારના સ્ટોલ લગાવવામાં આવ્યા છે. જેમાં હેન્ડીક્રાફ્ટ વસ્તુઓ, ખાદ્ય પદાર્થો, ઘરગથ્થુ વપરાશની ચીજો, આયુર્વેદિક અને ઓર્ગેનિક ઉત્પાદનો, વસ્ત્રો, રમકડાં તેમજ ગ્રામ્ય કળાકારોની કૃતિઓ ખાસ આકર્ષણનું કેન્દ્ર બન્યાં છે. સ્થાનિક મહિલાઓ દ્વારા બનાવવામાં આવેલ પાપડ, અથાણાં, મસાલા અને મીઠાઈઓને પણ સારી માંગ જોવા મળી રહી છે.
“વોકલ ફોર લોકલ”ના સંદેશ સાથે સ્વદેશી વસ્તુઓના ઉપયોગ તરફ લોકોને પ્રેરિત કરવામાં આવી રહ્યા છે.મેળામાં આવનાર મુલાકાતીઓ માટે પાર્કિંગ સહિત સુવ્યવસ્થિત આયોજન કરવામાં આવ્યું છે. વાહનો માટે અલગ પાર્કિંગ ઝોન બનાવવામાં આવ્યા છે જેથી ટ્રાફિકની સમસ્યા ન ઊભી થાય. સુરક્ષા માટે પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે તેમજ સ્વચ્છતા જળવાઈ રહે તે માટે વિશેષ ટીમ કાર્યરત છે. પીવાના પાણી, શૌચાલય અને આરામની વ્યવસ્થા પણ ઉપલબ્ધ કરાવવામાં આવી છે.
નગર પાલિકા દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું છે, જેના કારણે મેળાને ઉત્સવી માહોલ મળ્યો છે. સાંજે લોકગીતો, નૃત્ય અને બાળકલાપ્રદર્શન જેવી પ્રવૃત્તિઓથી પરિવારો આનંદ માણી રહ્યા છે.આ સ્વદેશી મેળા દ્વારા સ્થાનિક ઉદ્યોગકારોને રોજગારીનો મોકો મળી રહ્યો છે તેમજ નગરમાં આર્થિક ચેતના વધતી જોવા મળી રહી છે. મહુવા નગર પાલિકાનું આ આયોજન સ્થાનિક વિકાસ અને સ્વદેશી વિચારધારાને પ્રોત્સાહન આપતું મહત્વપૂર્ણ પગલું ગણાઈ રહ્યું છે.
હિન્દુસ્થાન સમાચાર / GONDALIYA DISHANT