
મહેસાણા, 25 ફેબ્રુઆરી (હિ.સ.)
મહેસાણા શહેરમાં ચાલી રહેલી ધોરણ 10 અને 12ની બોર્ડ પરીક્ષાઓને ધ્યાનમાં રાખીને મહેસાણાના ધારાસભ્ય મુકેશકુમાર ડી. પટેલે જિલ્લા કલેક્ટરને પત્ર લખીને ટ્રાફિક સિગ્નલના ટ્રાયલને અસ્થાયી ધોરણે બંધ કરવાની માંગ કરી છે. તેમણે વિદ્યાર્થીઓના હિતને પ્રાથમિકતા આપતા આ મહત્વપૂર્ણ રજૂઆત કરી છે.
ધારાસભ્યએ જણાવ્યું હતું કે હાલમાં CBSE બોર્ડની પરીક્ષાઓ ચાલી રહી છે અને ટૂંક સમયમાં ગુજરાત બોર્ડની પરીક્ષાઓ પણ શરૂ થવાની છે. તે દરમિયાન મહેસાણાના રાધનપુર ચોકડી અને મોઢેરા ચોકડી સહિતના વિસ્તારોમાં ટ્રાફિક સિગ્નલના પ્રાયોગિક ટ્રાયલ ચાલી રહ્યા છે, જેના કારણે ખાસ કરીને સવારના સમયે ટ્રાફિક જામ સર્જાય છે. પરિણામે વિદ્યાર્થીઓને સમયસર પરીક્ષા કેન્દ્ર પર પહોંચવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે બોર્ડની પરીક્ષા વિદ્યાર્થીઓના ભવિષ્ય માટે મહત્વપૂર્ણ હોવાથી ટ્રાફિકના કારણે થતા વિલંબથી વિદ્યાર્થીઓ પર માનસિક તણાવ ઊભો થાય છે. જેથી પરીક્ષાઓ પૂર્ણ ન થાય ત્યાં સુધી સિગ્નલ ટ્રાયલ બંધ રાખીને ટ્રાફિક પોલીસ દ્વારા મેન્યુઅલ રીતે ટ્રાફિકનું સંચાલન કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. આ અંગે મ્યુનિસિપલ કમિશનર અને જિલ્લા પોલીસ અધિક્ષકને પણ જાણ કરવામાં આવી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR