

મહેસાણા, 25 ફેબ્રુઆરી (હિ.સ.) : પાટણ જિલ્લાના મણુદ ગામની ધારાબેન પટેલ “ખુશી હર્બલ કેર”ના નામે ઘરઆંગણે હર્બલ પ્રોડક્ટ્સ બનાવીને સફળ ગૃહ ઉદ્યોગ ચલાવી રહ્યા છે. ITI સુધી અભ્યાસ કરેલ ધારાબેને શરૂઆતમાં પોતાના પરિવાર માટે હર્બલ શેમ્પુ અને હેર ઓઇલ બનાવવાનું શરૂ કર્યું હતું. પરિવારજનો પાસેથી સારો પ્રતિસાદ મળતા તેમણે આ કાર્યને વ્યવસાયનું સ્વરૂપ આપ્યું.
હાલમાં ધારાબેન ઘરે જ 15 થી 20 પ્રકારની હર્બલ પ્રોડક્ટ્સ બનાવે છે, જેમાં શેમ્પુ, હેર ઓઇલ, કન્ડિશનર, ફેસવોશ, હેર માસ્ક અને વિવિધ પ્રકારના કેમિકલ ફ્રી સાબુનો સમાવેશ થાય છે. એલોવેરા, હલ્દી, મિલ્ક, કોફી અને બેસન જેવા કુદરતી ઘટકોથી બનાવેલા સાબુની માંગ હાલમાં વધી રહી છે, કારણ કે લોકો કેમિકલ વગરના પ્રોડક્ટ્સ તરફ વધુ વળી રહ્યા છે.
ધારાબેન ઘરેથી તેમજ રિટેલ અને હોલસેલમાં વેચાણ કરે છે. સ્વદેશી મેળા અને પ્રદર્શનના કારણે તેમને વધુ ગ્રાહકો મળ્યા છે. આ ગૃહ ઉદ્યોગ દ્વારા તેઓ વર્ષમાં અંદાજે ₹2 લાખથી ₹2.5 લાખની આવક મેળવી રહ્યા છે. ધારાબેનની સફળતા અન્ય મહિલાઓ માટે પ્રેરણારૂપ બની છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR