


પોરબંદર, 25 ફેબ્રુઆરી (હિ.સ.) : પોરબંદર શહેરના ઉદ્યોગનગર સબ ડિવિઝન હેઠળ 14 કી.મી.ના અંડર ગ્રાઉન્ડ કામ નબળી ગુણવત્તાવાળી હોવાનું મીડિયાના કેમેરામાં કેદ થતા કોન્ટ્રાક્ટરની પોલ ખુલી છે. સરકારના અંડર ગ્રાઉન્ડ પ્રોજેક્ટને કોન્ટ્રાક્ટરે ડાગ લગાડ્યો હોવાના આક્ષેપો કરવામાં આવી રહ્યા છે. પત્રકારોએ નબળી કામગીરીનો અવાજ ઉઠાવતા અધિક્ષક ઈજનેર સી.સી.ડામોરે કોન્ટ્રાક્ટરને સારી ગુણવત્તા વાળુ મટીરીયલ વાપરવા સૂચના આપી હતી.
પોરબંદર શહેરમાં પીજીવીસીએલ દ્વારા અંડર ગ્રાઉન્ડ કેબલ નાખવાની કામગીરી ચાલી રહી છે જે હાલ શહેરના ઉદ્યોગનગર સબ ડિવિઝન હેઠળ 14 કિલોમીટર વિસ્તારમાં થઈ રહી છે. આ કામગીરી લગભગ 38-40 કરોડની હોવાનું જાણવા મળી રહ્યું છે. પરંતુ વીજ પુરવઠાને વધુ મજબૂત અને વિશ્વસનીય બનાવવા માટે પીજીવીસીએલ દ્વારા અંડર ગ્રાઉન્ડ કેબલ નાખવાની કામગીરી નબળી ગુણવત્તા વાળી થઈ રહી હોય તેવું સ્પષ્ટ મીડિયાના કેમેરામાં કેદ થયું છે. કેબલ પાથરતા પહેલા જે મટીરીયલ વપરાઈ રહ્યું છે તે ડેમેજ અને નબળી ગુણવત્તા વાળું હોવા છતાં આ કામગીરી બે રોકટોક થઇ રહી છે. આ દ્રશ્યો જોઈ પોરબંદરના જાગૃત પત્રકારોએ પોરબંદર પીજીવીસીએલના અધિક્ષક ઈજનેટ સી.સી.ડામોરનો સંપર્ક સાધતા અને નબળી કામગીરીના વિડીયો બતાવતા તેઓએ તાત્કાલિક અધિકારીઓને સૂચના આપી હતી અને જે-તે કોન્ટ્રાક્ટરને પણ સારી ક્વોલિટીનું કામ કરવા કડક સૂચના આપી છે. પરંતુ સવાલ એ છે કે જે-તે કોન્ટ્રાકટર આ કામગીરી નબળી કરે છે તો જવાબદાર કોણ? સુપરવિઝન કરનાર અધિકારીને કેમ ખરાબ મટીરીયલ દેખાતું નથી? મીડિયાએ અવાજ ઉઠાવ્યા બાદ અધિકારીએ કોન્ટ્રાક્ટરને સૂચના આપવી પડે છે.? શું આ નબળી કામગીરીમાં કોન્ટ્રાક્ટર સાથે મીલીભગત છે? તેવા પણ સવાલો ઉઠી રહ્યા છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya