
ગીર સોમનાથ, 25 ફેબ્રુઆરી (હિ.સ.)
રમત-ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના વિભાગ, ગાંધીનગર અને જિલ્લા વહિવટી તંત્ર-ગીર સોમનાથ દ્વારા આજે આદ્રી બીચ ખાતેથી મહિલાઓની અને ચોરવાડ ખાતેથી ભાઈઓની સમુદ્ર તરણ સ્પર્ધા યોજાઈ હતી.
આજે વહેલી સવારે ગીર સોમનાથ જિલ્લા પંચાયત પ્રમુખ મંજૂલાબહેન મૂછારે આદ્રી બીચ ખાતેથી બહેનોની સ્પર્ધાનો અને ચોરવાડ બીચ ખાતેથી અધિકારીઓની ઉપસ્થિતિમાં ભાઈઓની ૩૫મી વીર સાવરકર તરણ સ્પર્ધાનો પ્રારંભ કરાવ્યો હતો.
આ તરણ સ્પર્ધામાં ગુજરાત સહિત કર્ણાટક, મહારાષ્ટ્ર, પશ્ચિમ બંગાળના વિવિધ રાજ્યના ૧૮ ભાઈઓ અને ૦૭ બહેનો એમ કુલ ૨૫ સ્પર્ધકોએ ભાગ લીધો છે.
ઉલ્લેખનીય છેકે, આ સ્પર્ધામાં દરેક સ્પર્ધક સાથે એક નાની હોડી પણ હોય છે. જેમાં લાઈફ સેવિયર, મેનેજર સાથે જ સ્પર્ધાને અનુરૂપ કીટ આપવામાં આવે છે.
સ્પર્ધામાં ભાગ લેનાર તમામ સ્પર્ધકોને સરકાર દ્વારા પ્રમાણપત્ર નિવાસ તથા ભોજન તેમજ પ્રવાસ ખર્ચ આપવામાં આવે છે.
ગુજરાતના ઉપલક્ષ્યમાં ગીર સોમનાથ જિલ્લામાં દર વર્ષે તરણ શિબિરનું આયોજન કરવામાં આવે છે. આ શિબિરનો સમયગાળો દસ દિવસનો હોય છે. આ સ્પર્ધામાં પ્રથમ દ્વિતીય અને તૃતીય ક્રમે વિજેતા થયેલ સ્પર્ધકો પણ આ સ્પર્ધામાં ભાગ લે છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ