
બોટાદ,25 ફેબ્રુઆરી (હિ.સ.)રવિ માર્કેટિંગ સીઝન ૨૦૨૬–૨૭ દરમિયાન રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને તેમનાં ઉત્પાદનનો યોગ્ય અને પોષણક્ષમ ભાવ મળી રહે તે હેતુથી ઘઉંની સીધી ખરીદી લઘુતમ ટેકાના ભાવે કરવામાં આવશે. આ યોજના હેઠળ ઘઉંનો ટેકાનો ભાવ રૂ. ૨,૫૮૫ પ્રતિ ક્વિન્ટલ નક્કી કરવામાં આવ્યો છે અને ખરીદીની પ્રક્રિયા ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ લિ. મારફતે હાથ ધરવામાં આવશે. લઘુતમ ટેકાના ભાવે ઘઉં વેચવા ઇચ્છતાં ખેડૂતો માટે ઓનલાઈન નોંધણી ૦૧ ફેબ્રુઆરી ૨૦૨૬ થી ૦૧ માર્ચ ૨૦૨૬ સુધી સમગ્ર રાજ્યમાં ગ્રામ્ય સ્તરે VCE દ્વારા કરવામાં આવશે. નોંધણી પ્રક્રિયા ખેડૂત ખાતેદારોના બાયોમેટ્રિક ઓથેન્ટીકેશન દ્વારા પૂર્ણ કરવામાં આવશે, તેથી ખેડૂતોએ સમયમર્યાદામાં નોંધણી કરાવવાની રહેશે. નોંધણી પૂર્ણ થયા બાદ ઘઉંની ખરીદી ૦૪ માર્ચ ૨૦૨૬ થી ૧૫ મે ૨૦૨૬ દરમિયાન કરવામાં આવશે. નોંધણી માટે ખેડૂતોને જરૂરી દસ્તાવેજો સાથે હાજર રહેવુ પડશે. તેમાં આધાર કાર્ડની નકલ, અદ્યતન ગામ નમૂનો, ૭/૧૨ અને ૮/અની નકલ આવશ્યક રહેશે. જો પાક વાવણીની એન્ટ્રી ૭/૧૨ અથવા ૮/અમાં નોંધાયેલ ન હોય તો તલાટીનો સહી અને સિક્કાવાળો દાખલો રજૂ કરવો પડશે. ઉપરાંત ખેડૂતના નામે બેંક ખાતાની વિગત દર્શાવતી પાસબુકની ઝેરોક્ષ નકલ અથવા કેન્સલ ચેક રજૂ કરવો ફરજિયાત રહેશે.જે ખેડૂતો ટેકાના ભાવે ઘઉં વેચવા ઇચ્છે છે, તેઓએ સંબંધિત ગ્રામ પંચાયતનો સંપર્ક કરી ઓનલાઈન નોંધણી કરાવવી જરૂરી છે. નોંધણી પૂર્ણ થયા પછી ખરીદી અંગેની માહિતી નોંધાયેલા ખેડૂતોને SMS દ્વારા આપવામાં આવશે. ખરીદી સમયે ખેડૂતે પોતાનું આધાર કાર્ડ અથવા માન્ય ઓળખપત્ર સાથે રાખવું પડશે અને બાયોમેટ્રિક ચકાસણી બાદ જ ઘઉંની ખરીદી કરવામાં આવશે. દસ્તાવેજોની તપાસ દરમિયાન ખોટા દસ્તાવેજ અપલોડ થયાનું જણાય તો નોંધણી રદ કરવામાં આવશે અને ખરીદી અંગે કોઈ માહિતી આપવામાં આવશે નહીં.
હિન્દુસ્થાન સમાચાર / GONDALIYA DISHANT