
- રાજ્યમાં છેલ્લાં બે વર્ષમાં કુલ 11,100 પોલીસ અધિકારીઓને બઢતી અપાઈ
ગાંધીનગર, 25 ફેબ્રુઆરી (હિ.સ.) : વિધાનસભા ગૃહ ખાતે રાજ્યમાં પોલીસ ભરતી અને બઢતી અંગેના મહત્ત્વના આંકડાઓ રજૂ કરતાં કાયદા રાજ્યમંત્રી કૌશિક વેકરિયાએ જણાવ્યું કે રાજ્યમાં વર્ષ 2025-26માં 10,288 પોલીસ અધિકારીઓની ભરતીની પ્રક્રિયા ચાલી રહી છે. જ્યારે વર્ષ 2024માં 6319 અને વર્ષ 2025માં 4781 મળીને કુલ 11,100 પોલીસ અધિકારીઓને બઢતી આપવામાં આવી છે.
વડોદરા શહેરમાં પોલીસ મહેકમની ખાલી જગ્યાઓ અને કાયદો વ્યવસ્થાની સ્થિતિ અંગેના પ્રશ્નનો પ્રત્યુત્તર આપતા રાજ્યમંત્રી વેકરિયાએ જણાવ્યું કે જાન્યુઆરી-2026માં વડોદરા શહેરમાં 1131 પોલીસ કોન્સ્ટેબલની સીધી ભરતીથી નિમણૂક કરવામાં આવી છે.
તેમણે ઉમેર્યું કે વર્ષ 2024-25 દરમિયાન સમગ્ર રાજ્યમાં 475 બિનહથિયારી PSIની ભરતી કરવામાં આવી છે. જ્યારે વર્ષ 2025-26માં અંદાજે 659 બિનહથિયારી PSI અને 129 હથિયારી PSI માટે સીધી ભરતીની પ્રક્રિયા હાલ કાર્યરત છે, જે પૂર્ણ થતા વડોદરા શહેરની ઘટ પૂરી કરવામાં આવશે.
છેલ્લાં બે વર્ષમાં વડોદરા શહેરમાં 389 હેડ કોન્સ્ટેબલને ASI તરીકે બઢતી આપવામાં આવી છે. જ્યારે 434 પોલીસ બિનહથિયારી કોન્સ્ટેબલને હેડ કોન્સ્ટેબલ તરીકે બઢતી અપાઈ હોવાનું તેમણે ઉમેર્યું હતું.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ