

મહેસાણા, 26 ફેબ્રુઆરી (હિ.સ.) : પાટણ જિલ્લાના હારીજ એપીએમસી માર્કેટયાર્ડમાં આ વર્ષે તુવેરની આવકમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે. ગયા વર્ષે સમગ્ર સીઝનમાં લગભગ 25000 બોરી તુવેરની આવક નોંધાઈ હતી, જ્યારે આ વર્ષે અત્યાર સુધીમાં 50000 થી વધુ બોરી આવક થઈ ચૂકી છે અને હજુ પણ હરાજી ચાલુ હોવાથી આવક વધવાની સંભાવના છે. હાલમાં દરરોજ 2500 થી 3200 બોરી તુવેર અને કુલ મળીને અંદાજે 12000 બોરી વિવિધ જણસીઓની આવક થાય છે.
એપીએમસીના સેક્રેટરી ચૌધરી વિનોદભાઈ દેવજીભાઈએ જણાવ્યું હતું કે, આ વર્ષે ખેડૂતોને ₹1400 થી ₹1700 સુધીનો સારો ભાવ મળી રહ્યો છે, જે ગયા વર્ષના ₹1300 થી ₹1500ની સરખામણીએ ₹100 થી ₹200 વધુ છે. કપાસમાં જીવાત અને પિયતના પ્રશ્નોને કારણે ખેડૂતો હવે તુવેરના વાવેતર તરફ વળ્યા છે. ખુલ્લી હરાજી, કેશ પેમેન્ટ અને સારી સુવિધાઓને કારણે સુરેન્દ્રનગર અને મહેસાણા જિલ્લાના ખેડૂતો પણ અહીં વેચાણ માટે આવે છે. જાસ્કા ગામના ખેડૂત ઝાલા હિતુભાએ જણાવ્યું હતું કે, તેઓ 100 મણ તુવેર વેચવા લાવ્યા છે અને સારા ભાવ મળતા વધુ વેચાણ કરશે. આ વર્ષે ભાવ અને આવક બંનેમાં વધારો થતા ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR