
- નગરદેવીની નગરયાત્રા! ભક્તોનું ઘોડાપૂર ઉમટી પડ્યું
અમદાવાદ, 26 ફેબ્રુઆરી (હિ.સ.) : આજે એટલે કે 26 ફેબ્રુઆરીના રોજ અમદાવાદનો 615મો જન્મદિવસ છે. અમદાવાદના સ્થાપના દિવસે મા ભદ્રકાળી પાલખીમાં બેસીને નગરયાત્રા પર નીકળ્યા છે. આજે સવારે પહિંદ વિધિ કરી રથને પ્રસ્થાન કરાવવામાં આવ્યો છે. 6.25 કિ.મી. લાંબી નગરયાત્રામાં મોટી સંખ્યામાં માઈ ભક્તો ઉમટ્યા છે.
અમદાવાદના નગરદેવી ભદ્રકાળી માતાજીની આજે એટલે કે 26 ફેબ્રુઆરીના રોજ સવારે ભવ્ય નગરયાત્રા નીકળી હતી. મેયર અને સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન દેવાંગ દાણીએ પહિંદ વિધિ કરી નગરયાત્રાનું પ્રસ્થાન કરાવ્યું હતું. આ નગરયાત્રામાં માતાજીનો રથ, નાસિક ઢોલ, અખાડાના કલાકારો, ભજન મંડળીઓ અને મોટી સંખ્યામાં વાહનોનો કાફલો જોડાયો હતો. આ નગરયાત્રા હવે નિજ મંદિરે પરત ફરી છે અને યાત્રા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થઈ છે.
ઉલ્લેખનીય છે કે, 26 ફેબ્રુઆરી અમદાવાદનો સ્થાપના દિવસ છે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન મુખ્ય ઓફિસ ખાતે નગરદેવી ભદ્રકાળી માતાજીનો રથ પહોંચતાની સાથે જ મેયર પ્રતિભા જૈન, ડેપ્યુટી મેયર જતીન પટેલ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણી, શાસક પક્ષના નેતા ગૌરાંગ પ્રજાપતિ અને દંડક શીતલ ડાગા સહિત ભાજપના ચેરમેનો, ડેપ્યુટી ચેરમેનો, કોર્પોરેટરો અને મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા માતાજીનું સ્વાગત કરવામાં આવ્યું હતું. માતાજીના આશીર્વાદ લઈને ભદ્રકાળી માતા કી જય નાદ કર્યો હતો.
સાંજે ભદ્રકાળી મંદિરે લોકડાયરો થવાનો છે. જેમાં ગમન સાંથલ અને લોક ગાયક જીગ્નેશ કવિરાજ પણ આવવાના છે. આ લોક ડાયરામાં 10થી 12 હજાર લોકો જામી શકે તેટલો ભંડારો યોજવામાં આવ્યો છે.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ