પરીક્ષા એ જીવનનો અંત નથી પણ નવી શરૂઆત છે: પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણી
- ગુજરાતમાં 26/02/2026થી ધોરણ-10 અને ધોરણ-12 બોર્ડની પરીક્ષાનો થશે વિધિવત પ્રારંભ ગાંધીનગર, 26 ફેબ્રુઆરી (હિ.સ.) : સમગ્ર ગુજરાતમાં 26 ફેબ્રુઆરી2026થી ધોરણ-10 અને ધોરણ-12ની બોર્ડની પરીક્ષાઓનો વિધિવત પ્રારંભ થઈ રહ્યો છે. આ મહત્વપૂર્ણ અવસરે ગુજરાત
ફાઈલ ફોટો: મંત્રી જીતુ વાઘાણી


- ગુજરાતમાં 26/02/2026થી ધોરણ-10 અને ધોરણ-12 બોર્ડની પરીક્ષાનો થશે વિધિવત પ્રારંભ

ગાંધીનગર, 26 ફેબ્રુઆરી (હિ.સ.) : સમગ્ર ગુજરાતમાં 26 ફેબ્રુઆરી2026થી ધોરણ-10 અને ધોરણ-12ની બોર્ડની પરીક્ષાઓનો વિધિવત પ્રારંભ થઈ રહ્યો છે. આ મહત્વપૂર્ણ અવસરે ગુજરાત સરકારના પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ રાજ્યના તમામ પરીક્ષાર્થી વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓને હૃદયપૂર્વકની શુભકામનાઓ પાઠવી છે.

મંત્રીએ તેમના સંદેશમાં જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તાજેતરમાં જ “પરીક્ષા પે ચર્ચા” થકી દેશભરના વિદ્યાર્થીઓને કોઈપણ દબાણ કે ચિંતા વિના સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે પરીક્ષા આપવા માટે પ્રોત્સાહિત કર્યા છે. દરેક વ્યક્તિની એક વિશેષ ક્ષમતા હોય છે, એ ક્ષમતાને પારખીને પોતાની સ્કિલ પર વધુ ફોકસ કરીને ચિંતા મુક્ત થઈ પરીક્ષા આપવા મંત્રીએ આગ્રહ કર્યો છે.

પરીક્ષા એ વિદ્યાર્થીઓના વર્ષભરની મહેનતનું પરિણામ મેળવવાનો અવસર છે. મંત્રી વાઘાણીએ વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરતા આશાવાદ વ્યક્ત કર્યો હતો કે, વિદ્યાર્થીઓ કોઈપણ જાતના ડર કે માનસિક બોજ રાખ્યા વિના આત્મવિશ્વાસ સાથે પરીક્ષા આપે.

મંત્રીએ પરીક્ષાર્થીઓના વાલીઓને પણ અનુરોધ કર્યો છે કે, વિદ્યાર્થીના પરિવારજનોએ ઘરનું વાતાવરણ હળવું રાખવા અને બાળકો પર વધુ પડતું દબાણ લાવવાને બદલે તેમનો ઉત્સાહ વધારવું જોઈએ.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ તેમજ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના સહયોગથી રાજ્ય સરકાર અને શિક્ષણ વિભાગ દ્વારા તમામ પરીક્ષા કેન્દ્રો પર જરૂરી સુવિધાઓ અને ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા સુનિશ્ચિત કરવામાં આવી છે, જેથી વિદ્યાર્થીઓ શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષા આપી શકે, તેમ મંત્રીએ ઉમેર્યું હતું.

પ્રવક્તા મંત્રીએ માહિતી આપતા જણાવ્યું હતું કે, રાજ્યમાં ધોરણ-10ના 9.07 લાખથી વધુ, ધોરણ-12 સામાન્ય પ્રવાહના 5.01 લાખથી વધુ, ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહના 1.19 લાખથી વધુ અને ગુજકેટના વિદ્યાર્થીઓ મળી રાજ્યભરના કુલ 16.63 લાખથી વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષા આપશે.

ગુજરાતના તેજસ્વી વિદ્યાર્થીઓ પોતાની પ્રતિભા સાબિત કરી રાજ્યનું અને પોતાના પરિવારનું નામ રોશન કરશે, તેવો આશાવાદ વ્યક્ત કરતા મંત્રીએ કહ્યું હતું કે, “પરીક્ષાના પેપર લખતી વખતે મન સ્થિર રાખી, જે આવડે છે તેને શ્રેષ્ઠ રીતે રજૂ કરો. તમારી મહેનત ચોક્કસપણે રંગ લાવશે. સૌને ઉજ્જવળ સફળતા માટે ખૂબ ખૂબ અભિનંદન.

હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ


 rajesh pande