
અમરેલી,26 ફેબ્રુઆરી (હિ.સ.)
આજ રોજ અમરેલી જિલ્લાના લાઠી તાલુકાના ભટવદર ગામે જિલ્લા આંતરિક તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમનો મુખ્ય હેતુ ખેડૂતોમાં પ્રાકૃતિક અને ગાય આધારિત ખેતી પ્રત્યે જાગૃતિ વધારવાનો અને ખર્ચ બચત સાથે ઉત્પાદન વધારવાના માર્ગ દર્શાવવાનો હતો.
આ તાલીમ પ્રસંગે Agri. Assistant પ્રકાશભાઈ ગોહિલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે ખેડૂતોને ગાય આધારિત ખેતીના મહત્વ વિશે વિગતવાર માહિતી આપી અને દેશી ગાયના ગોબર તથા ગોમૂતથી બનતા જીવામૃત, ઘન જીવામૃત, બીજામૃત અને અન્ય કુદરતી ખાતર વિશે સમજણ આપી.
તેમણે જણાવ્યું કે ગાય આધારિત ખેતીથી જમીનની ઉર્વરતા વધે છે, રાસાયણિક ખાતરનો ખર્ચ ઘટે છે અને પાકનું ગુણવત્તાયુક્ત ઉત્પાદન મળે છે.
તેમજ પ્રાકૃતિક ખેતીના પાંચ આયામ વિષે માર્ગદર્શન આપતાં તેમણે બીજ ઉપચાર, જીવામૃતનો ઉપયોગ, આવરણ (મલ્ચિંગ), વાપસા અને વૈવિધ્યસભર ખેતી પદ્ધતિ અંગે વિસ્તૃત સમજ આપી. ખેડૂતોને પ્રયોગાત્મક રીતે પ્રાકૃતિક ખેતી અપનાવવા પ્રોત્સાહિત કરવામાં આવ્યા.
કાર્યક્રમ દરમિયાન ખેડૂતો દ્વારા પૂછાયેલા પ્રશ્નોના સંતોષકારક જવાબ આપવામાં આવ્યા અને આવનારા સમયમાં વધુ ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ વળે તે માટે માર્ગદર્શન આપવામાં આવ્યું.
હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai