
અમરેલી, 26 ફેબ્રુઆરી (હિ.સ.) : અમરેલી જિલ્લાના વરસડા ગામે જિલ્લા આંતરિક તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. તાલીમનો મુખ્ય હેતુ ખેડૂતોને પ્રાકૃતિક અને ગાય આધારિત ખેતી પદ્ધતિઓ અંગે જાગૃત કરી ખર્ચ ઘટાડતા અને જમીનની ઉર્વરતા વધારતા વિકલ્પો તરફ પ્રેરિત કરવાનો હતો.
આ પ્રસંગે પ્રોજેક્ટ ડાયરેક્ટર મહેશ ઝીડ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે ખેડૂતોને ગાય આધારિત ખેતીના લાભો અંગે વિસ્તૃત માર્ગદર્શન આપ્યું હતું. તેમણે જણાવ્યું કે દેશી ગાયના ગોબર અને ગોમૂતથી તૈયાર થતી કુદરતી દવાઓ અને ખાતર જમીનની ગુણવત્તા સુધારે છે તેમજ પાકની ઉત્પાદન ક્ષમતા વધારવામાં મદદરૂપ બને છે. રાસાયણિક ખેતીની તુલનામાં ગાય આધારિત ખેતી ખર્ચમાં ઘટાડો કરે છે અને પર્યાવરણને પણ અનુકૂળ છે.
તેમણે જીવામૃત, ઘન જીવામૃત, બીજ ઉપચાર અને કુદરતી જીવાત નિયંત્રણ જેવી પદ્ધતિઓ વિશે સરળ ભાષામાં સમજ આપી અને ખેડૂતોને પ્રયોગાત્મક રીતે આ પદ્ધતિ અપનાવવા પ્રોત્સાહિત કર્યા. તાલીમ દરમિયાન ખેડૂતો સાથે સંવાદ યોજાયો હતો, જેમાં ખેડૂતોએ પોતાના પ્રશ્નો રજૂ કર્યા અને તેમને યોગ્ય માર્ગદર્શન આપવામાં આવ્યું. આ કાર્યક્રમથી ખેડૂતોમાં પ્રાકૃતિક ખેતી પ્રત્યે રસ વધ્યો અને ગાય આધારિત ખેતી અપનાવવાનો સકારાત્મક સંદેશ પ્રસરી રહ્યો છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai