
સોમનાથ ,26 ફેબ્રુઆરી (હિ.સ.) સોમનાથ જિલ્લામાં ષમાનવતાનું એક સુંદર ઉદાહરણ સામે આવ્યું છે. ફરજ દરમિયાન પોલીસ જવાનોએ એક ગંભીર હાલતમાં મળેલા કૂતરાના બચ્ચાને બચાવી તેની સારવાર કરાવી — જેને લઈને સ્થાનિકોમાં પ્રશંસા જોવા મળી રહી છે.
સોમનાથ મંદિર ના મુખ્ય પ્રવેશ દ્વાર નજીક એક કૂતરાનું નાનું બચ્ચું અત્યંત નાજુક હાલતમાં પડેલું જોવા મળ્યું હતું. ત્યાં ફરજ પર રહેલા પોલીસ જવાનો સિદ્ધરાજસિંહ સોલંકી અને કનકસિંહ સિસોદિયાની નજર બચ્ચા પર પડતા તેમણે તરત જ માનવતા દાખવી તેને કચરામાંથી બહાર કાઢ્યું અને એનિમલ હેલ્પ કેર ટીમનો સંપર્ક કર્યો.
તપાસ દરમિયાન જાણવા મળ્યું કે બચ્ચાના શરીરમાં ઇયળો પડી ગઈ હતી અને ગળાના ભાગે ગંભીર ઘા થતા તેમાં રસી ભરાઈ ગઈ હતી. તાત્કાલિક સારવાર દરમિયાન રસી બહાર કાઢી ઇયળોને દૂર કરવામાં આવી અને જરૂરી દવાઓથી સેનેટાઈઝ કરવામાં આવ્યું. સમયસર સારવાર મળતા બચ્ચાની હાલતમાં સુધારો નોંધાયો છે.
પોલીસ જવાનોએ પોતાની ફરજ સાથે અબોલ પ્રાણી પ્રત્યે કરુણા અને સેવા ભાવ દર્શાવી સમાજ સમક્ષ પ્રેરણાદાયી ઉદાહરણ પૂરું પાડ્યું છે. “અબોલની સેવા એ જ સાચો ધર્મ” — આ વિચારને સાચો અર્થ આપતી આ ઘટના હાલમાં ચર્ચાનો વિષય બની છે.
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ