
અમરેલી, 26 ફેબ્રુઆરી (હિ.સ.) : જિલ્લા મહિલા અને બાળ અધિકારીના માર્ગદર્શન હેઠળ અમરેલી જિલ્લાના ખાંભા તાલુકાના ઈંગોરાળા ગામની પ્રાથમિક શાળામાં ધરેલુ હિંસા અટકાયત અધિનિયમ-2005 અંતર્ગત કાયદાકીય માર્ગદર્શન સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સેમિનારમાં સખી મંડળની બહેનો તથા ખેડૂત મહિલાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી હતી.
સેમિનારનો મુખ્ય હેતુ મહિલાઓને તેમના કાનૂની હકો અંગે જાગૃત કરવો અને ઘરેલુ હિંસા સામે કાયદાકીય રક્ષણ વિશે માહિતી પહોંચાડવાનો હતો. કાર્યક્રમ દરમિયાન નિષ્ણાતોએ ધરેલુ હિંસા અટકાયત અધિનિયમ-2005ના વિવિધ પ્રાવધાનો, મહિલાઓને મળતા કાનૂની હકો, ફરિયાદ નોંધાવવાની પ્રક્રિયા અને સહાય માટે ઉપલબ્ધ સરકારી સેવાઓ અંગે વિગતવાર માર્ગદર્શન આપ્યું.
જેમાં ઉપસ્થિત મહિલાઓને સમજાવવામાં આવ્યું કે શારીરિક, માનસિક, આર્થિક કે ભાવનાત્મક કોઈપણ પ્રકારની હિંસા કાયદા હેઠળ ગુનો ગણાય છે અને તેની સામે કાયદેસર પગલાં લઈ શકાય છે. સાથે જ મહિલા હેલ્પલાઇન, સખી સેન્ટર અને સરકારી યોજનાઓ વિશે પણ માહિતી આપવામાં આવી. આ સેમિનારથી મહિલાઓમાં આત્મવિશ્વાસ અને કાનૂની જાગૃતિમાં વધારો થયો છે તેમજ સમાજમાં મહિલાઓના અધિકારોના સંરક્ષણ માટે સકારાત્મક સંદેશ પ્રસરી રહ્યો છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai