

મહેસાણા, 26 ફેબ્રુઆરી (હિ.સ.) : ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાતી ધોરણ 10 અને 12ની બોર્ડ પરીક્ષાનો મહેસાણા જિલ્લામાં આજથી મંગલ પ્રારંભ થયો હતો. આ વર્ષે જિલ્લામાં કુલ 50,042 વિદ્યાર્થીઓ પરીક્ષામાં બેસી પોતાનું શૈક્ષણિક ભવિષ્ય નક્કી કરશે. પરીક્ષાને લઈને જિલ્લાભરમાં ઉત્સાહ સાથે ચુસ્ત વ્યવસ્થા અને સુવિધાઓ ઉભી કરવામાં આવી હતી.
પરીક્ષાના પ્રથમ દિવસે વિદ્યાર્થીઓ ભયમુક્ત અને આત્મવિશ્વાસ સાથે પરીક્ષા આપે તે હેતુથી વિવિધ પરીક્ષા કેન્દ્રો પર સ્વાગત કાર્યક્રમો યોજાયા હતા. મહેસાણાની સાર્વજનિક સ્કૂલ ખાતે રાજ્યસભા સાંસદ મયંકભાઈ નાયક ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે વિદ્યાર્થીઓને કુમકુમ તિલક કરી મોઢું મીઠું કરાવ્યું અને તેમને ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવી હતી.
આ પ્રસંગે સાંસદ મયંકભાઈ નાયકે વિદ્યાર્થીઓને નિર્ભય બની અને સંપૂર્ણ તૈયારી સાથે પરીક્ષા આપવા પ્રોત્સાહિત કર્યા હતા. તેમના આ પ્રોત્સાહનથી વિદ્યાર્થીઓમાં નવી ઉર્જા અને આત્મવિશ્વાસનો સંચાર જોવા મળ્યો હતો. જિલ્લા શિક્ષણ તંત્ર દ્વારા પણ પરીક્ષાની પારદર્શિતા જળવાઈ રહે તે માટે સીસીટીવી મોનિટરિંગ અને દેખરેખની ખાસ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR